December 25, 2024

PM મોદીએ અગ્નિ-5ના પરીક્ષણ બદલ વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા

Testing Of Agni-5: પીએમ નરેન્દ્ર મોદીએ અગ્નિ-5 મિસાઈલના પરીક્ષણ માટે DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પોસ્ટ કર્યું, ‘મિશન દિવ્યસ્ત્ર માટે DRDOના વૈજ્ઞાનિકો પર અમને ગર્વ છે. જેમણે સ્વદેશી અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેકનોલોજીથી સજ્જ છે.’

નોંધનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે પીએમ મોદી દેશને સંબોધન કરવાના છે.પીએમ મોદીના સંબોધનને કારણે અનેક અટકળો શરૂ થઇ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે PM મોદી CAA, MSP જેવા મુદ્દાઓ પર મોટી જાહેરાત કરી શકે છે, પરંતુ પીએમ મોદીની પોસ્ટ બાદ આ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે પીએમ મોદી આજે રાષ્ટ્રને સંબોધિત નહીં કરે.

શું કહ્યું પીએમ મોદીએ?
વડા પ્રધાન મોદીએ સોમવારે જણાવ્યું હતું કે મલ્ટીપલ ઇન્ડિપેન્ડન્ટ ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઇલનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે તેમણે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

MIRV ટેકનોલોજીની ખાસિયત
MIRV ટેક્નોલોજી હેઠળ એક મિસાઈલ એકસાથે અનેક પરમાણુ હથિયારો લઈ જવાની ક્ષમતા ધરાવે છે અને આ હથિયારો વડે અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકાય છે. તેની એક ખાસિયત એ છે કે તેને રોડ દ્વારા ગમે ત્યાં લઈ જઈ શકાય છે. નોંધનીય છે કે અગાઉ અગ્નિ મિસાઇલોમાં આ સુવિધા નહોતી.

અમિત શાહે પણ અભિનંદન પાઠવ્યા હતા
આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું હતું, અમિત શાહે પોસ્ટમાં લખ્યું કે, ‘આપણા દેશ માટે મહત્વનો દિવસ. સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ, સફળ મિશન દિવ્યશાસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો અને નાગરિકોને હાર્દિક અભિનંદન…’