મોજશોખ પૂરા કરવા 55 મંદિરોમાં કરી ચોરી, ક્રાઇમ બ્રાન્ચે ત્રિપુટી ઝડપી પાડી
જૂનાગઢઃ મેંદરડા ગામે મોટી ખોડિયાર મંદિરમાં ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે આંતર જિલ્લા મંદિરમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી પાડી છે. મંદિરમાંથી કુલ 1.95 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.
બાતમીને આધારે ઝડપી પાડ્યા
ત્યારે ખોડિયાર મંદિરમાં ચોરી કરવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે CCTV, ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. ત્યારે પ્લાસવા ગામના પાટીયા નજીક નંબર પ્લેટ વગરની બાઈક પર પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા.
કુલ 55 મંદિરમાં ચોરી કરી હોવાનો ખુલાસો
આરોપીઓએ સાગર ગોહેલ, ભીખુ કટારીયા અને રોહિત ગોળકીયા નામના આરોપીને પકડી પાડ્યા છે. આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 55 મંદિરમાં ચોરી કરી હોવાનો ખુલાસો કર્યો છે. જૂનાગઢ જિલ્લાના 7 અને અન્ય જિલ્લા 48 મંદિરોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ ટ્રક ડ્રાઇવર અને મજૂરી કામ કરે છે. મોજશોખ પૂરા કરવા માટે આરોપીઓ મંદિરને નિશાન બનાવતા હતા. આરોપીઓએ જૂનાગઢ ઉપરાંત રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર અને દાહોદ જિલ્લાના મંદિરમાં ચોરીને અંજામ આપ્યો હતો.
દાગીના ઓગાળીને વેચી નાંખતા હતા
ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન ધાતુ ઓગાળવાના સાધનો વડે દાગીના ઓગાળીને વેચી નાંખતા હોવાનું સામે આવ્યું છે. સોના-ચાંદીના દાગીના સહિત મોબાઇલ, વાહન મળીને કુલ 2.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.