સ્કૂલ બસ-ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ડમ્પરચાલક ફરાર
સુરતઃ શહેરના કીમ-માંડવી હાઇવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ઉશકેર ગામ નજીક સ્કૂલ બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે. હાલ સ્કૂલ બસ ડ્રાઇવર, તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે, સ્કૂલ બસમાં કુલ 28 વિદ્યાર્થી સહિત શિક્ષકો સવાર હતા. અકસ્માત બાદ 8 જેટલા વિદ્યાર્થીઓને ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે આઠેય બાળકોને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. બાળકોના સિટી સ્કેનના રિપોર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ સારવાર આપવામાં આવશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને સીફા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. જ્યારે પોલીસને પણ ઘટનાની જાણ થતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો.