December 23, 2024

પંજાબમાં અકાલી દળ અને ભાજપ વચ્ચે ગઠબંધનની વાટાઘાટો નિષ્ફળ

ચંદીગઢ: પંજાબમાં લોકસભા ચૂંટણી માટે ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહેલા ભાજપ અને અકાલી દળ વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે. હકિકતે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભાજપે પોતાની રણનીતિ બદલી છે. લોકસભા ચૂંટણીને લઈને એનડીએ પોતાના જૂથને વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. આ સંદર્ભમાં પંજાબમાં ગઠબંધનને લઈને ભાજપ અને અકાલી દળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વાતચીત ચાલી રહી હતી. જોકે માહિતી અનુસાર મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ પંજાબમાં અકાલી દળ અને બીજેપી ગઠબંધન વચ્ચેની વાતચીત નિષ્ફળ ગઈ છે. પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકસાથે ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ ભાજપે પોતાની રણનીતિ બદલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અકાલી દળ પણ ખેડૂતોના આંદોલન અને શીખ કેદીઓને મુક્ત કરવાના મુદ્દાઓને લઈને ભાજપ પર દબાણ કરી રહ્યું હતું.

આ કારણે ભાજપ-અકાલીનો રસ્તો અલગ થઈ ગયો
માહિતી અનુસાર જ્યારે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે નવા કૃષિ કાયદા લાવી હતી, ત્યારે અકાલી દળે તેના વિરોધમાં NDA સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કરીને પંજાબ વિધાનસભાની ચૂંટણી લડી હતી. થોડા સમય પહેલા અકાલી દળના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ પંજાબની 13માંથી 6 લોકસભા સીટો પર ચૂંટણી લડવાની માંગ કરી રહી છે, જ્યારે અકાલી દળ આટલી સીટો આપવા તૈયાર નથી. નોંધનીય છે કે જ્યારે અકાલી દળ એનડીએનો ભાગ હતો ત્યારે તે 10 બેઠકો પર ચૂંટણી લડી રહ્યું હતું અને ભાજપ ત્રણ બેઠકો પર ચૂંટણી લડી રહ્યું હતું. અત્યારે પંજાબમાં અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન છે અને તેઓ આ ગઠબંધન તોડવા માંગતા નથી કારણ કે પંજાબમાં બસપાનો સારો પ્રભાવ છે.

બીજી બાજુ સુખદેવ સિંહ ઢિંઢસાનું જૂથ પણ અકાલી દળમાં જોડાય તેવી ચર્ચા સામે આવી છે. અકાલી નેતાઓનો આરોપ છે કે ભાજપે પંજાબમાં અકાલી દળને નબળું પાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. ભાજપે અકાલી દળના નારાજ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા જેથી અકાલીની વોટબેંકમાં મોટો ફટકો પડે તેવી સંભાવના છે. જલંધર લોકસભા પેટાચૂંટણીમાં પણ ભાજપે ચરણજીત સિંહ અટવાલના પુત્ર ઈન્દર સિંહ અટવાલને ઉમેદવાર બનાવ્યા હતા.