January 3, 2025

Kutch : પોલીસ મૌલાના મુફ્તીને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે

KUTCH - NEWSCAPITAL

જૂનાગઢ જિલ્લા કોર્ટે ગતરોજ મુફ્તી સલમાન અઝહરી અને અન્ય બેને જામીન આપ્યા હતા. જે બાદ ગતરાત્રે કચ્છ પોલીસે ટ્રાન્સફર વોરંટ દ્વારા અઝહરીનો કબજો મેળવ્યો હતો. મુફ્તી સલમાન અઝહરી પર સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવાનો આરોપ છે. મૌલનાના વિવાદાસ્પદ ભાષણોના વીડિયો સામે આવ્યા બાદ રાજ્યમાં તેની સામે બે કેસ નોંધવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત ATSએ મુફ્તી અઝહરીની મુંબઈથી ધરપકડ કરી હતી.

જૂનાગઢ કોર્ટે મૌલાનાને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા

અઝહરીએ 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. બાદમાં તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને એવો દાવો કરવામાં આવ્યો હતો કે મૌલાના અઝહરીએ કથિત રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ કેસમાં અઝહરી અને બે સ્થાનિક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ પૂરા થતાં બુધવારે સાંજે ચાર વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા હતા. બચાવ પક્ષે પણ જામીન અરજી કરી હતી. અઝહરીના વકીલ શકીલ શેખે કહ્યું કે, બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે મૌલાનાને 15,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. તેમણે કહ્યું કે, કોર્ટે શરતી જામીન આપ્યા છે. મૌલાના અઝહરી કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં.

કચ્છ પોલીસ મૌલાનાને આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે

જૂનાગઢ જિલ્લા કોર્ટમાંથી જામીન મળ્યા બાદ કચ્છના સામખિયાળીમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે પૂર્વ કચ્છ પોલીસે મૌલાના મુફ્તીની ટ્રાન્સફર વોરંટ દ્વારા કબજો મેળવ્યો હતો. ગત રાત્રે મૌલાના મુફતીનો કબજો મેળવ્યા બાદ આજરોજ કચ્છ પોલીસ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરશે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ કચ્છના સામખિયાળી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભડકાઉ ભાષણ અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ મૌલાના મુફ્તી સલમાન અઝહરી અને મામદ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. KUTCH - NEWSCAPITAL

આ પણ વાંચો : Ahmedabad : છેલ્લા ચાર દિવસમાં જાહેરમાં થૂંકનાર 300 થી વધુ લોકો દંડાયા

ગુજરાત ATSએ રવિવારે મુંબઈથી ધરપકડ કરી હતી 

મૌલાના અઝહરીની ગુજરાત ATS દ્વારા રવિવારે મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. મૌલાના અઝહરીને તેના કથિત ભડકાઉ ભાષણનો વીડિયો સામે આવ્યા બાદ તેની અને ધાર્મિક કાર્યક્રમના બે આયોજકો સામે નોંધાયેલી એફઆઈઆરના સંબંધમાં ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગુજરાત લાવવામાં આવ્યો હતો. મંગળવારે જૂનાગઢ કોર્ટે ત્રણેય આરોપીઓને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.