કઠલાલની લાડવેલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, ચારનાં મોત
કઠલાલઃ લાડવેલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી પ્રમાણે, રસ્તા વચ્ચે નીલગાય આવી જતા અકસ્માત થયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નીલગાય આવતાં જ કારચાલકે કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, ચારેય મૃતક બાલાસિનોર તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બારિયાના મુવાડા ખાતે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગના કામે જતા અકસ્માત સર્જાયો હતો. પ્રાણ પ્રતિષ્ઠાનો મંડપ નક્કી કરવા જતાં દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાને પગલે બાલાસિનોરના ઓથવાડ ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે.
મૃતકનાં નામ
- ઠાકોર સંજયભાઈ જશવંતભાઈ
- ઠાકોર વિનુભાઈ ગબાભાઈ
- ઠાકોર રાજેશકુમાર સાલભાઈ
- ઠાકોર પુનાભાઈ ઉર્ફે પુજેસિંહ અર્જુનસિંહ