January 17, 2025

નવો જિલ્લો ‘ઓગડ’ બનાવવાની માગ સાથે દિયોદરમાં 16 દિવસથી વિરોધ

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાનું વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા 16 દિવસથી માગને લઈને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દિયોદર વિસ્તારની માગ છે કે, આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો જિલ્લાને નવું ઓગડ નામ આપવામાં આવે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓગડથળીમાં સભા યોજી રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માગ પૂરી કરવા માટે હવન યોજવામાં આવ્યો હતો.

રાજ્ય સરકાર દ્વારા જાતિ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે. ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈ દિયોદર, ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો. ત્યારે આ વિરોધ છેલ્લા 16 દિવસથી નવા જિલ્લામાં માગને લઈને ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં સતત 16 દિવસથી રાજ્ય સરકાર પાસે માગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. જેમાં દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવામાં આવે તેવી માગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં મોટી સંખ્યામાં બાઈક પર સવાર ભાજપ, કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા. દિયોદર સર્કિટ હાઉસથી આ રેલી નીકળી દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ફરી હતી. જેમાં દિયોદર વિસ્તારને હક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ આ રેલી દિયોદરમાં આવેલી ઓગડથળી ખાતે પહોંચી હતી. ત્યાં સરકારને સદબુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિયોદરના સ્થાનિક લોકો આગેવાનો, ભાજપ-કોંગ્રેસના નેતાઓએ હવનમાં આહુતિ આપી રાજ્ય સરકાર દિયોદર વિસ્તારની માંગણી પૂરી કરે તેવી ઓગડજીને પ્રાર્થના કરવામાં આવી હતી.

ઓગડથળી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ, સ્થાનિક આગેવાનો, કોંગ્રેસના નેતાઓ અને દિયોદરના સ્થાનિક લોકો જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવા જિલ્લાનું નામ વાવ-થરાદ આપ્યું છે. ત્યારથી દિયોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સભામાં આજે દિયોદરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવું અથવા તો નવા જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉઘરા આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.