ઇસ્કોન મંદિર વિવાદમાં, પિતાનો દીકરીનું બ્રેઇન વોશ કરવાના આક્ષેપ સાથે HCમાં હેબિયસ કોર્પસ
અમદાવાદઃ શહેરમાં આવેલું ઇસ્કોન મંદિર વિવાદમાં આવ્યું છે. ત્યાં દીકરીઓના બ્રેઇન વોશના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે. અમદાવાદના નિવૃત્ત આર્મી મેને હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ દાખલ કરી છે.
આ હેબિયસ કોર્પસમાં અરજદારની દીકરીને જૂન મહિનામાં ઇસ્કોનના મથુરાના શિષ્ય સાથે ભગાડી દેવાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારે હેબિયસ કોર્પસમાં જણાવ્યુ છે કે, ‘ઇસ્કોન મંદિરમાં ભક્તિના નામે દીકરીઓનું બ્રેઈન વોશ થાય છે. ઇસ્કોન મંદિરમાં દીકરીના ગુરુ સુંદરમામા પ્રભુએ પોતાના શિષ્ય સાથે દીકરીને પરણાવી દેવાની વાત કરી હતી. અરજદાર અલગ જ્ઞાતિના હોવાથી શિષ્ય સાથે પરણાવવા ઇન્કાર કર્યો હતો.’
આ ઉપરાંત અરજદારની દીકરીને ભડકાવી 3.62 લાખ રોકડા અને 23 તોલા સોનું લઈ મથુરાના એક શિષ્ય સાથે ભગાડી દીધી હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. હાલ દીકરી યુપીના મથુરામાં હોવાની અરજદાર પાસે માહિતી છે. જુલાઈ મહિનામાં પોલીસ કમિશનર, કાયદા મંત્રી અને ગૃહ મંત્રાલયમાં પણ અરજી આપ્યાની રજૂઆત કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે સબંધિત પક્ષકારોને નોટિસ ફટકારી છે. ત્યારે આગામી જાન્યુઆરી મહિનામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઇસ્કોન મંદિરનાં સ્વામીએ પોતે કૃષ્ણ અને દીકરીઓ ગોપીઓ હોવાનો આડંબર કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો છે.