December 21, 2024

સુરતના ઉતરાણમાં દેહવ્યાપારનો પર્દાફાશ, 7 લલના સહિત 9 ગ્રાહકો ઝડપાયા

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઉત્રાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ ઉત્રાણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બાતમીના આધારે હોટલમાં રેડ કરતા હોટલમાંથી 7 લલના અને નવ ગ્રાહકોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ 7 યુવતીઓને પકડવામાં આવી છે. તેમાં 5 થાઈલેન્ડની, એક નેપાળ અને એક ઉત્તરાખંડની યુવતીનો સમાવેશ થાય છે. સૌપ્રથમ ગ્રાહકોને whatsappના માધ્યમથી યુવતીઓના ફોટા મોકલવામાં આવતા હતા. ત્યારબાદ ગ્રાહક જે યુવતીને પસંદ કરે તેની સાથે આ હોટલમાં શરીર સુખ માણવાની સુવિધા આપવામાં આવતી હતી.

સુરતની ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે, મોટા વરાછા વિસ્તારમાં આવેલી પનવેલ હોટલમાં દેહવ્યાપારની પ્રવૃત્તિ ચાલી રહી છે. ત્રણ દિવસ સુધી પોલીસ દ્વારા આ બાબતે વોચ રાખવામાં આવી અને તપાસ કરવામાં આવી હતી. અંતે માહિતી કન્ફર્મ થતા ઉત્રાણ પોલીસની એક ટીમ દ્વારા પનવેલની હોટલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને આ દરોડો દરમિયાન પોલીસે હોટલમાંથી આપત્તિજનક સ્થિતિમાં નવ ગ્રાહકો તેમજ 7 યુવતીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, આ હોટલમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. તેમાં સૌપ્રથમ ગ્રાહકને whatsappના માધ્યમથી યુવતીઓના ફોટા મોકલવામાં આવતા હતા. ગ્રાહક whatsappમાં જે યુવતીને પસંદ કરે તે યુવતી સાથે શરીર સુખ માણવાની સુવિધા 3500થી 5000 રૂપિયામાં આપવામાં આવતી હતી. પોલીસની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, હોટલનો મુખ્ય સંચાલક જેડી કેવડિયા છે. આ ઉપરાંત તેની સાથે દલાલ શિવમ ગજેરા, ભાવના પાટીલ અને અન્ય હોટલ માલિક વિજય ઉર્ફે કાનો આ સમગ્ર રેકેટ ચલાવતા હતા. પોલીસ આ સમગ્ર મામલે ગુનો દાખલ કરી દેહવ્યાપારનું રેકેટ ચલાવતા ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.