December 15, 2024

થરામાં વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાનો વિરોધ, મોટી સંખ્યામાં ભુવાજીના સમર્થકો ઉમટ્યાં

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ જિલ્લાના કાંકરેજના થરામાં ત્રણ દિવસ પહેલા વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાએ પહોંચીને દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવતા એક ભુવાજીને પકડીને પોલીસ મથકે લઈ જઈ તેની પાસે માફી મંગાવી હતી. આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને જયંત પંડ્યાનો વિરોધ કરીને બનાસકાંઠા આવીને ભુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ કરી હતી.

બનાસકાંઠાના થરામાં આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સામે હજારો લોકોએ હાથમાં બેનરો લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભુવાજી વાઘજીને ધૂણતા રોકવા માટેની ચેલેન્જ આપી હતી. ત્રણ દિવસ પહેલા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા અને તેમની ટિમ થરા પહોંચી હતી અને તેમને થરાના ભુવાજી વઘાજીને દોરા ધાગા કરી લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો આક્ષેપ કરીને તેમને પકડી પાડ્યા હતા. ત્યારબાદ ભુવાજી વિરુદ્ધ થરા પોલીસ મથકે અરજી આપીને તેમને થરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં ભુવાજીએ હું હવે આવું કામ ક્યારેય નહીં કરું તેવું કહીને હાથમાં બેનર લઈને માફી માગી હતી. ત્યારબાદ ભુવાજીને છોડી મુકાયા હતા. જો કે, તે બાદ ભુવાજીના સમર્થકો ઉમટી પડ્યા હતા. અમે જયંત પંડ્યાએ ભુવાજી સાથે ખોટું કર્યાનો આક્ષેપ કરીને આજે પૂનમના દિવસે ભુવાજી થરાના સિકોતર માતાના મંદિરે ધુણશે અને જો જયંત પંડ્યામાં તાકાત હોય તો આવીને રોકી બતાવે, તેવી ચેલેન્જ આપી હતી. જેને લઈને આજે થરામાં ભુવાજીના સમર્થનમાં હજારો ભક્તો અને સમર્થકો પોતાના હાથમાં વિવિધ બેનેરો અને પોસ્ટરો લઈને ઉમટી પડ્યા હતા.

જેમાં ‘જયંત પંડ્યા ખોટી જગ્યાએ મંડ્યા’, ‘વિજ્ઞાન જાથા ખોટી અમારી શ્રદ્ધા સાચી’ જેવા અનેક સૂત્રો લખીને જયંત પંડ્યાનો વિરોધ કરીને ચેલેન્જ આપી હતી કે અહીં કોઈ તાંત્રિક વિધિ કરતું નથી. અમારી આસ્થાને જયંત પંડ્યાએ ઠેસ પહોંચાડી છે. જો જયંત પંડ્યા જોડે ભુવાજીની વિરુદ્ધ કોઈ પુરાવા હોય તો રજૂ કરે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, ભુવાજી આજે ધૂણશે જો જયંત પંડ્યામાં તાકાત હોય તો અહીં આવીને રોકીને બતાવે. ભુવાજીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, મને જયંત પંડ્યાએ આવીને ખોટી રીતે ડરાવી ધમકાવીને ભયભીત કરી દીધો હતો અને જેથી હું ગભરાઈ ગયો હતો. મને ખોટી રીતે પોલીસ મથકે લઈ જઈને માફી મગાવી હતી. હું કોઈ અંધશ્રદ્ધા ફેલાવતો નથી કે કોઈ જોડે પૈસા લેતો નથી. અહીં લોકો શ્રદ્ધા લઈને આવે છે અમે માતાજી તેમનું કામ કરે છે. હું આજે અહીં ધૂણવાનો છું. જો તાકાત હોય તો જયંત પંડ્યા આવીને રોકીને બતાવે.

વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાના વિરોધમાં ઉમટી પડેલા ભુવાજીના ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. જો કે, ભાજપના નેતા અને થરા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ પણ ભુવાના સમર્થનમાંમાં પહોંચ્યા હતા અને કહ્યું કે ભુવાજી કોઈ તાંત્રિક નથી અહીં આવવાથી લોકોના દુઃખ દૂર થાય છે. જયંત પંડ્યા જોડે ભુવાજી ખોટા છે તેવા પુરાવા હોય તો તે રજૂ કરે. હું પણ અહીં આવું છું અહીં કોઈ ખોટું કામ થતું નથી.

થરામાં જયંત પંડ્યાને આવીને ભુવાજીને ધૂણતા રોકવાની ચેલેન્જ આપ્યા બાદ ભુવાજી હજારો ભક્તો વચ્ચે જાહેરમાં ધૂણીને જયંત પંડ્યાને માતાજી પરચો આપશે તેવી વાત કરી હતી. ત્યાં આવેલા ભક્તોએ પણ માતાજી પ્રત્યેની આસ્થાની વાત કરી હતી. જ્યાં એક ભક્તે આ ભુવા પાસે આવતા માતાજીએ કેન્સર મટાડ્યું હોવાની વાત કરી હતી. તો કેટલીક મહિલાઓએ જયંત પંડ્યા સામે આક્રોશ વ્યક્ત કરીને કહ્યું કે, અમારી પાસે કોઈ દિવસ ભુવાજીએ પૈસા લીધા નથી. જયંત પંડ્યાએ અમારી આસ્થાને ઠેસ પહોંચાડી છે તે સાચો હોય તો અહીં આવી જાય.