સાબરકાંઠા-અરવલ્લીમાં કેસર ગ્રુપની ઓફિસમાં 10 દિવસથી તાળાં, રોકાણકારોના શ્વાસ અદ્ધર
સાબરકાંઠાઃ પોન્ઝી સ્કિમના નામે ઠગનારાઓનો રાફડો ફાટ્યો છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આ પ્રકારની પોન્ઝી સ્કીમના નામે લોકોને ઠગનારાઓનો રાફડો ફાટ્યો છે. છેલ્લા 10 દિવસથી કેસર ગ્રુપની ઓફિસ પર તાળાં લાગતા રોકાણકારોના શ્વાસ અદ્ધર થયા છે.
પોન્ઝી સ્કીમ ચલાવનારા સંચાલકો રોકાણકારોને આકર્ષવા ખાસ મોડસ ઓપરેન્ડી ચલાવતા હતા. જેમાં કાર્યક્રમમાં મોટા નેતા અને અધિકારીઓને બોલાવી લોકોનો વિશ્વાસ જીતતા હતા. ત્યારે મંત્રી ભીખુસિંહ પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે. જેમાં પોલીસ પાયલોટ સાથે ભીખુસિંહે પરમાર પોન્ઝી સ્કીમ ચલાવતા કેસર ગ્રુપના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
કેસર ગ્રુપના સફળતાના 3 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીની સાથે હિંમતનગરમાં નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના ઉદ્ઘાટનના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મોટા મોટા હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. પરંતુ દોઢ મહિના અગાઉ જ ખુલેલી ઓફિસને છેલ્લા 10 દિવસથી તાળાં લાગેલા હોવાથી રોકાણકારો ચિંતામાં મુકાયા છે.