November 16, 2024

નકલી ઘી પ્રકરણમાં વરાછા પોલીસની ઢીલી તપાસ, એક મહિના બાદ ઝડપાયો વચેટીયો

અમિત રૂપાપરા,સુરત: સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થ પકડાયા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે 11 ઓક્ટોબરના રોજ સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી લંબે હનુમાન રોડ અને અશ્વનિકુમાર રોડ પર આવેલા પ્રાઇમ સ્ટોરમાંથી સુમુલ ડેરીના નામે વેચાતો નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ દુકાન માલિકની ધરપકડ કરાય અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરી દેવાયો અને આ ઘટનાના એક મહિના પછી હવે પોલીસ માત્ર વચેટીયા સુધી પહોંચી છે.

કૌભાંડનો પર્દાફાશ
આ કેસમાં પોલીસનું કામ નકલી ઘી બનાવનારા ઇસમોને પકડીને આ કૌભાંડનો પર્દાફાશ કરવાનું હતું. પરંતુ કાચબાની ગતિથી કામ કરતી વરાછા પોલીસે શા માટે આ કેસમાં ઢીલી નીતિ અપનાવી રહી છે. તેને લઈને અનેક શંકાઓ ઉપજી રહી છે. કારણ કે એક મહિનામાં નકલી ઘી હજારો લોકોના ઘર સુધી પહોંચ્યું હશે. ત્યારે શું લોકોના આરોગ્ય સાથે ચેન્ડા કરનારા ઈસમોને પકડવામાં વરાછા પોલીસને રસ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.

ડબ્બામાંથી નકલી ઘી મળી આવ્યું
સુરત શહેરમાં નકલી ખાદ્ય પદાર્થો મળ્યા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. ત્યારે 11 ઓક્ટોબરના રોજ સુરતના લંબે હનુમાન રોડ તેમજ અશ્વનિકુમાર રોડ પર આવેલા પ્રાઈમ સ્ટોરમાંથી સુમુલ ડેરી દ્વારા વેચાણ કરવામાં આવતા ઘીના ડબ્બા જેવા જ દેખાતા ડબ્બામાંથી નકલી ઘી મળી આવ્યું હતું. એક કિલોના 59 ડબ્બા આ પ્રાઇમ સ્ટોરની બંને દુકાનોમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. આ બાબતે સુમુલ ડેરી દ્વારા ફૂડ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે વરાછા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરીને પ્રાઇમ સ્ટોરના માલિક દિનેશ માંગરોલાની ધરપકડ કરી હતી. દિનેશ માંગરોલાની ધરપકડ બાદ તેને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવ્યા હતા.

વચેટીયાની ધરપકડ કરવામાં આવી
આ કેસમાં સુરતની વરાછા પોલીસને તપાસ તે જ કરવાની હતી. પરંતુ વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને જાણે લોકોના આરોગ્યની કંઈ પડી જ ન હોય તે પ્રકારે એકદમ કાચબાની ગતિથી તપાસ કરવામાં આવી. 14 ઓક્ટોબરના રોજ નકલી ઘી જે દુકાનમાંથી મળ્યું તે દુકાન માલિકની ધરપકડ બાદ એક મહિના જેટલો સમય વીત્યા બાદ આ ઘીનો જથ્થો દુકાનમાં સપ્લાય કરનાર વચેટીયાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

ખુલાસો કરવાનું કામ પોલીસનું
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસનું કામ આ નકલી ઘી વેચનારાઓને પકડવાનું હતું. નકલી ઘી ક્યાં બની રહ્યું છે અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ નકલી ઘી વેચાઈ ચૂક્યું છે તે બાબતનો ખુલાસો કરવાનું કામ પોલીસનું હતું. પરંતુ નકલી ઘી મળ્યાના એક મહિના બાદ પણ વરાછા પોલીસ માત્ર વચેટીયા સુધી જ પહોંચી શકી. ત્યારે આ ઘટનામાં નકલી ઘીનો વેપલો ચલાવનારા મોટા માથાઓને પોલીસ ક્યારે પકડશે તે જોવાનું રહ્યું.