December 27, 2024

અમને ફરક નથી પડતો કે અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ… ટ્રમ્પની જીતથી ચીનમાં સન્નાટો, કઈ વાતથી થઈ રહી છે ચિંતા?

China: અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો બાદ ચીનમાં ચિંતા દેખાવા લાગી છે. વિદેશ મંત્રાલય તરફથી એક પ્રતિક્રિયા સામે આવી છે. જેમા કહ્યું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ બને તેનાથી કોઈ ફરક પડતો નથી અને ચીન તેની જૂની નીતિઓ પર આગળ વધશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે જો ટેરિફ અંગે ચૂંટણી પ્રચારમાં ડોનાલ્ડ ટ્રમ્પે જે કહ્યું હતું તેનો અમલ થશે તો તેની અસર ચીનના બજાર પર પડશે અને તેની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે.

ડોનાલ્ડ ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન ચીન સામે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું. ચાઈનીઝ વસ્તુઓ પર ભારે ટેક્સ લાદવામાં આવ્યો હતો. ચીની કંપનીઓની તપાસ કડક કરવામાં આવી હતી. જેની અસર બંને દેશોના વેપાર પર પડી હતી. આ કારણે ટ્રમ્પના પરત ફર્યા બાદ ચીનમાં તણાવ દેખાવા લાગ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પની જીત પર ચીનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે, રાષ્ટ્રપતિની ચૂંટણી અમેરિકાનો આંતરિક મામલો છે. અમે અમેરિકન લોકોની ચૂંટણીનું સન્માન કરીએ છીએ. જ્યાં સુધી વ્યવસાયનો સંબંધ છે, અમે અનુમાનિત બાબતોનો જવાબ આપતા નથી. અમેરિકા અંગે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે. અમે અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોને પરસ્પર સન્માન, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ અને બંને દેશોના હિતના પરિપ્રેક્ષ્યથી જોઈએ છીએ અને ભવિષ્યમાં પણ આ નીતિનું પાલન કરવાનું ચાલુ રાખીશું.

ચીન શેનાથી ડરે છે?
ચીનને ડર છે કે ટ્રમ્પ ફરી ચીન સામે વેપાર યુદ્ધ શરૂ કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે તેઓ ચીનથી આવતા સામાન પર ભારે ટેક્સ લગાવશે. તેમણે 60 ટકા ટેરિફ લાદવાની વાત કરી હતી. આવી સ્થિતિમાં ચીનથી અમેરિકા જતા સામાન પર પ્રતિબંધ લાગી શકે છે. ચીન દર વર્ષે અમેરિકાને $400 બિલિયનનો સામાન વેચે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો ખતમ કરવાની વાત પણ કરી હતી.

આ પણ વાંચો: અમેરિકાએ ખોટા વ્યક્તિની પસંદગી કરી… ટ્રમ્પની જીત પર કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે આવું કેમ કહ્યું?

નિષ્ણાતો શું કહે છે?
ચીન અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોને લઈને નિષ્ણાતોના અલગ-અલગ મંતવ્યો છે. ભારતના નીતિ આયોગના ભૂતપૂર્વ વાઈસ-ચેરમેન રાજીવ કુમાર કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ એવા દેશો પર ટેરિફ અને આયાત નિયંત્રણો લાદશે કે જેઓ તેમને લાગે છે કે અમેરિકા માટે મૈત્રીપૂર્ણ નથી, જેમાં ચીન અને કેટલાક યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. જો આવું થાય તો તે ભારતીય નિકાસ માટે બજારો ખોલી શકે છે.

બાર્કલેઝે બુધવારે એક રિસર્ચ રિપોર્ટમાં કહ્યું કે, વ્યાપાર નીતિના સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પ એશિયા માટે સૌથી મહત્વપૂર્ણ હોઈ શકે છે. રિપોર્ટમાં એવો અંદાજ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ દરખાસ્તોથી ચીનના જીડીપીમાં બે ટકાનો ઘટાડો થશે અને આ ક્ષેત્રની અન્ય વધુ ખુલ્લી અર્થવ્યવસ્થાઓ પર દબાણ આવશે.