December 27, 2024

ગુજરાત દુષ્કર્મ કેસ અંગે HCના ચુકાદા મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કર્યા અનેક સવાલ

અમદાવાદઃ ગુજરાતના દુષ્કર્મ કેસની ફરિયાદ રદ્દ કરવાના હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે હુકમ સામે અનેક સવાલ ઉઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે, હાઈકોર્ટ આ પ્રકારના આદેશ કેમ કરી શકે? ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટ દ્વારા પીડિતાને રૂબરૂમાં સાંભળ્યા વિના જ માત્ર સોગંદનામાના આધારે હુકમ કરવામાં આવ્યો હતો. સોગંદનામાની વિગતો સમજાવ્યા વિના જ પીડિતા પાસે અંગૂઠાની છાપ લેવડાવી સમાધાન થયું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કોર્ટે પીડિતને વ્યક્તિગત હાજરી માટે બોલાવ્યા વિના અને સમાધાન થયું છે કે કેમ તેની ખાતરી કર્યા વિના ફોજદારી કાર્યવાહી રદ કરવી જોઈએ નહીં. આ મામલે અરજદારના વકીલે કહ્યું હતું કે, એટ્રોસિટી એક્ટ હેઠળ કથિત ગુના સિવાય IPCની કલમ 376 હેઠળ કથિત ગુનો ખૂબ જ ગંભીર હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, હાઇકોર્ટે અપીલકર્તાને વ્યક્તિગત રૂપે કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપી સોગંદનામાની સત્યતા ચકાસવી જોઈએ. હાઈકોર્ટે અસલી સમાધાન હતું કે કેમ તેની ચકાસણી કર્યા વિના અસ્પષ્ટ ચુકાદો અને આદેશ પસાર કર્યો છે, જે ટકી શકે નહીં. અરજદાર પીડિતા નિર્ધારિત તારીખ પર હાઈકોર્ટ સમક્ષ રૂબરૂ હાજર થાય. અરજદારને સાંભળ્યા બાદ HCને એફિડેવિટ અંગે ન્યાયિક અધિકારી મારફત તપાસ કરવાનો આદેશ આપવાની સત્તા છે.