December 27, 2024

મદરેસા એક્ટ મામલે યોગી સરકારને મોટો ઝટકો, અલાહાબાદ HCનો નિર્ણય ફગાવ્યો

નવી દિલ્હીઃ મંગળવારે મદરેસા એક્ટ પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને ફગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા એક્ટને યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે. ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મદરેસા એક્ટ બંધારણની વિરુદ્ધ નથી. અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય યોગ્ય નહોતો.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચમાં જ અલાહાબાદ હાઈકોર્ટે મદરસા બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કરીને રદ્દ કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેના પર 22 ઓક્ટોબરે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થયા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, 22 માર્ચે અલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે યુપી મદરેસા બોર્ડ એક્ટને ગેરબંધારણીય જાહેર કર્યો હતો અને તમામ વિદ્યાર્થીઓને સામાન્ય શાળાઓમાં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ સામે મદરેસા સંચાલકો તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. 5 એપ્રિલે સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે બાદમાં આ કેસની વિગતવાર સુનાવણી કરી અને 22 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો. લગભગ 17 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ લટકતું હતું.

સુનાવણી દરમિયાન, રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તે પણ મદરેસા બોર્ડ એક્ટને સંપૂર્ણપણે રદ્દ કરવાના પક્ષમાં નથી. યુપી સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પણ કહ્યું છે કે, મદરેસા એક્ટના કેટલાક ભાગોની સમીક્ષા કરી શકાય છે, પરંતુ સમગ્ર એક્ટને નકારી કાઢવો યોગ્ય નથી.