December 27, 2024

ચાર દિવસમાં ઇમરજન્સી કેસમાં અધધધ વધારો, 20 હજાર કેસ નોંધાયા

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ દિવાળીથી માંડીને ભાઈબીજ સુધીના ચાર દિવસમાં રાજ્યમાં ઇમરજન્સી કેસમાં અધધધ વધારો થયો છે. ચાર દિવસમાં 20 હજાર જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં રોજ 4500 જેટલા કેસ થતા હોય છે, જે સરેરાશ 5200 આસપાસ મેડિકલ ઈમરજન્સી કેસ નોંધાયા છે.

દિવાળીના તહેવારમાં મેડિકલ ઈમરજન્સી સર્વિસ 108ના ફોન સતત આકસ્મિક ઘટનાનેને લઈને રણકતા રહ્યા છે. રોડ એક્સિડન્ટના કિસ્સામાં વધારો થયો છે. નાના જિલ્લામાં સામાન્ય દિવસોમાં ખૂબ ઓછા અકસ્માત થતાં હોય છે. એવા જિલ્લામાં રોડ અકસ્માતમાં વધારો થયો છે. દિવાળીના તહેવારમાં દાહોદ અને પંચમહાલમાં મારામારીના કેસ વધુ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા 4 દિવસમાં આલ્કોહોલ અને ડ્રગ્સના કેસ પણ નોંધાયા છે.

દિવાળીના તહેવારોમાં પ્રથમ દિવસે 8.5%, બીજા દિવસે 11%, ત્રીજા દિવસે 16.7% અને ચોથા દિવસે 13% ઇમરજન્સી કેસમાં વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં 5200 જેટલા કેસ પ્રતિ દિવસ જોવા મળ્યા છે. રોડ અકસ્માતના કેસમાં પણ સામાન્ય દિવસો કરતાં વધારો જોવા મળ્યો છે. રોડ અકસ્માતમાં 88.41 ટકા વધારો જોવા મળતા સરેસાસ 906 કેસ જોવા મળ્યા છે.

નવા વર્ષે સૌથી વધુ અકસ્માતના 1087 કેસ નોંધાયા છે. જેમાં બોટાદ જિલ્લામાં રોડ અકસ્માતના કેસમાં 325%નો વધારો થયો છે. તેવી જ રીતે મહીસાગરમાં 237 ટકા, નવસારીમાં 166 ટકા કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 35% કેસમાં વધારો થયો છે. ચાર દિવસમાં ફૂડ પોઈઝનિંગ, ડ્રગ્સ ઓવરડોઝ, આલ્કોહોલની આડઅસરમાં વધારો જોવા મળ્યો છે. ફૂડ પોઈઝન, આલ્કોહોલ, ડોગ ઓવરડોઝના 480 કેસ નોંધાયા છે. આ ઉપરાંત દિવાળીમાં દાઝી જવાના કેસો પણ વધારે નોંધાતા હોય છે. બર્નિંગનાં કેસમાં 750% ટકાનો વધારો નોંધાયો છે. ચાર દિવસમાં બર્નિંગના 113 કેસ સામે આવ્યા છે. અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ દાઝી જવાના કેસ નોંધાયા છે.

આ ઉપરાંત મારામારીનાં કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ચાર દિવસમાં 107.81%ના વધારા સાથે 1197 કેસ સામે આવ્યા છે. દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.