સમગ્ર રાજ્યમાં બેવડી ઋતુનો માહોલ, તાપમાનનો પારો 3 ડિગ્રી ગગડ્યો
અમદાવાદઃ રાજ્યમાં ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. હાલ સમગ્ર ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો બપોરે ભયંકર ગરમી પડી રહી છે.
રાજ્યમાં પશ્ચિમ- ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. આગામી 7 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ જોવા મળ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી પહોંચ્યું છે. જ્યારે લઘુતમ તાપમાન 22થી 24 ડિગ્રી પહોંચ્યું છે. વહેલી સવારે ઠંડા પવનનો, જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
આજે અમદાવાદમાં લઘુતમ તાપમાન 23, જ્યારે ગાંધીનગરમાં 22 ડિગ્રી નોંધાયું છે. વડોદરામાં લઘુતમ તાપમાન 22 ડિગ્રી, જ્યારે કચ્છમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભાવનગરમાં 23 ડિગ્રી, જ્યારે બનાસકાંઠા 22 ડિગ્રી નોંધાયું છે.