December 27, 2024

બનાસકાંઠામાં મુડેઠામાં 750 વર્ષથી યોજાતી અશ્વદોડ, ભાઈ-બહેનના પ્રેમની અનોખી કહાણી

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના મુડેઠા ગામમાં લગભગ સાડા સાતસો વર્ષથી અશ્વદોડ યોજાય છે. આ અશ્વદોડ નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર-રાજપૂત સમાજના લોકો બહેન પ્રત્યેના પ્રેમે શૌર્યની ભાષામાં રજૂ કરે છે.

પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પરંપરાઓને જાળવી રાખવા માટે જાણીતો છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઈ ગયા. જે-તે સમયે મુઘલોના આક્રમણથી રજવાડાંઓમાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મુઘલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી, ત્યારે શક્તિશાળી મુઘલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી.

રાજાની આવી સૂચના બાદ મુઘલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઈ ગયા હતા અને ડીસા તાલુકાના પેપળું ગામે આવી પહોંચ્યા હતા. તે સમયે મુઘલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને ગયા હતા અને આ બખ્તર આજેય હયાત છે. આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઈ ચોથબાને ઓઢાડવા જાય છે.

ભાઈ-બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હડીલા ગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ 100થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂરદૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે.