January 2, 2025

કોમેડિયન એક્ટર અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન, કેન્સરથી હતા પીડિત

Atul Parchure Death: જાણીતા અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન થયું છે. અભિનેતા કેન્સરથી પીડિત હતા. તેઓ ‘ધ કપિલ શર્મા શો’ સહિત ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં તેના અભિનય માટે જાણીતા હતા. અતુલ પરચુરે એક પ્રતિભાશાળી અભિનેતા હતા, જે છેલ્લા એક વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. આજે 14 ઓક્ટોબરના રોજ તેમનું અવસાન થયું. તેમના નિધનથી મનોરંજન જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ ટ્વીટ કરીને અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે ટ્વીટમાં લખ્યું, ‘હંમેશા અંતર્મુખી રહેતા ક્લાસિક અભિનેતા અતુલ પરચુરેનું અકાળે અવસાન દુઃખદ છે. અતુલ પરચુરેએ તેમની તેજસ્વી અભિનય કારકિર્દીની શરૂઆત બાળ થિયેટરથી કરી હતી. નાટક, ફિલ્મો અને સિરિયલો એમ ત્રણેય ક્ષેત્રોમાં તેમણે પોતાની છાપ છોડી. તેણે મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ ઉત્તમ પાત્રો ભજવ્યા છે. તેમના નિધનથી મરાઠીએ એક ઉત્તમ અભિનેતા ગુમાવ્યો છે. આ નુકસાનની ભરપાઈ થઈ શકે તેમ નથી. પરચુરના હજારો ચાહકોમાંના એક તરીકે હું પરિવારના દુઃખમાં સહભાગી છું. ભગવાન તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકાર વતી હું તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

ટીવીથી લઈને ફિલ્મોમાં કરી ચૂક્યા શાનદાર કામ 
એક્ટર અતુલ પરચુરેએ ટેલિવિઝન અને ફિલ્મો બંને પર પોતાની અલગ છાપ બનાવી હતી. તેમણે ‘આરકે લક્ષ્મણ કી દુનિયા’, ‘જાગો મોહન પ્યારે’, ‘યમ હૈ હમ’, ‘બડી દૂર સે આયે હૈં’, ‘ધ કપિલ શર્મા શો’ અને ઘણી મરાઠી સિરિયલો અને લોકપ્રિય કોમેડી શોમાં પોતાની અભિનય શક્તિ સાબિત કરી. ટીવી સિવાય, અભિનેતા હિન્દી અને મરાઠી ફિલ્મોમાં દેખાયો છે, જ્યાં તે તેની કોમેડી અને કોમિક ટાઇમિંગથી પ્રેક્ષકોનો પ્રિય બન્યો હતો.