January 3, 2025

રાણપુરમાં અસામાજિક તત્વોનો આતંક, જાહેરમાં બે જણાં પર પિસ્તોલ-લાકડી વડે હુમલો

બોટાદઃ રાણપુરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. શહેરના બસ સ્ટેન્ડ પાસે મેઈન રોડ પર જાહેરમાં 2 વ્યક્તિઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. દેશી પિસ્તોલ અને લાકડી વડે હુમલો કર્યો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, અગાઉની જમીનના કેસમાં કરાયેલી પોલીસ ફરિયાદની અદાવતમાં ફરી હુમલો કર્યો છે. મુકેશભાઈ બાંભા અને દેવાંશ શાહ નામના યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. રૂપિયાની માંગણીને લઈને બબાલ થઈ હતી. અસામાજિક તત્વો દ્વારા મારામારી કરતો વીડિયો વાયરલ થયો છે.

ત્યારે ઝપાઝપીમાં હુમલાખોરોની દેશી પિસ્તોલ અને કારતૂસ નીચે પડી જતા લાકડી વડે ફરી વળ્યા હતા. આ સમગ્ર ઘટનાને પગલે લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. મુકેશ પ્રભુભાઈ બાંભા નામના યુવાનને લાકડી વડે માર મારતા ઇજા પહોંચતા બોટાદ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

અસામાજિક તત્વો દ્વારા મારામારી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાની જાણ થતાં ભોગ બનનારના મહિલા સહિતના પરિવારજનો દોડી આવતા તમામને અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાતી હોવાનું વાયરલ વીડિયોમાં સામે આવ્યું છે. અસામાજિક તત્વો દ્વારા મહિલાને પણ ખુલ્લી ગાળો આપવામાં આવતી હોવાનું વીડિયોમાં સામે આવ્યું છે.

ડીડી ઉર્ફે દીપક મકવાણા અને ગુલામ નબી યુનુસ દેસાઈ આ બંને અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ આતંક મચાવવામાં આવ્યો છે. ભોગ બનનાર પાસે હુમલાખોરે અગાઉ બે લાખ રૂપિયાની માંગણી કરતા હોય તેને લઈ બબાલ થઈ હતી અને તે સમયે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ડીડી ઉર્ફે દિપક મકવાણા પર અનેક ગંભીર ગુનાઓ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા છે.

સરેઆમ જાહેરમાં અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર દેશી પિસ્તોલ અને લાકડી જેવા હથિયારો સાથે હુમલો કરવો એ પોલીસને ખુલ્લી ચેલેન્જ સમાન છે. ગત મોડી રાતની ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.