January 3, 2025

સુરત મનપાના નકલી કર્મચારી બની પૈસા પડાવતા ત્રણ ગઠિયાઓ ઝડપાયા

અમિત રૂપાપરા, સુરત: ડાયમંડ સિટીમાંથી ક્રાઇમ સિટી બની રહેલા સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, નકલી પાન મસાલા, નકલી ડોક્ટર, નકલી પોલીસ અધિકારી ઝડપાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનું યુનિફોર્મ હોય તેવા જ કપડાં પહેરીને લોકો પાસેથી ફૂડ સેફ્ટી લાઇસન્સના બદલામાં પૈસા પડાવનારા ત્રણ નકલી કર્મચારીની સુરતની સરથાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના કર્મચારી ન હોવા છતાં પણ કર્મચારી પહેરે તેવા ડ્રેસ પહેરીને પોતાને મહાનગરપાલિકાના કર્મચારી બતાવી દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના લાયસન્સ કઢાવી આપવા માટે ગ્રાહકો પાસેથી પૈસા લઈ લોકો સાથે છેતરપિંડી કરતી એક ગેંગની ધરપકડ સરથાણા પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ ગેંગમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે. સરથાણા પોલીસે બાતમીના આધારે રોહનગીરી ગોસ્વામી, કોમલ પરમાર અને શોભના જાલોનધરાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મુખ્ય આરોપી રોહનગીરી ગૌસ્વામી પોતે એડવોકેટ છે અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં ઈશ્વર પાર્ક સોસાયટીમાં પરિવાર સાથે રહે છે.

એડવોકેટ રોહન અને તેની સાથે રહેલી બે મહિલા સુરત મહાનગરપાલિકાના નકલી ફુડ સેફટી અધિકારી બનીને દુકાનદારોને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢવાનું જણાવતા હતા અને દુકાનદારો પાસેથી એક લાઇસન્સ માટે 2,780 રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારને નકલી એફ એસ એસ એ આઈનું લાઇસન્સ આપવામાં આવતું હતું. મહત્વની વાત છે કે આ ત્રણેય નકલી અધિકારી બનીને દુકાનદાર પાસેથી 100 ઓનલાઇન અને 2680 રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા. હાલ તો સુરતની સરથાણા પોલીસ દ્વારા આ ટોળકીની ધરપકડ કરી તેમને અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.