January 3, 2025

વડોદરામાં 3 ઇંચથી વધુ વરસાદ, વિશ્વામિત્રી 20 ફૂટે; તંત્રની તૈયારીઓ શરૂ

વડોદરાઃ શહેરમાં સવારે 4 વાગ્યાથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે અને વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પડેલા અનરાધાર વરસાદે વડોદરાને જળમગ્ન કરી નાંખ્યું હતું. ત્યારે આ વખતે તંત્ર ફરીથી તૈયારીમાં જોતરાયું છે.

ભારે વરસાદને કારણે વડોદરામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તંત્ર તૈયારીઓમાં લાગી ગયું છે. સરકારી શાળાઓ સહિત સિટી બસને સ્થળાંતર માટે તૈયાર કરી દેવામાં આવી છે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 20 ફૂટ પર પહોંચી છે. ત્યારે 22 ફૂટે પહોંચતા જ લોકોના સ્થળાંતરની કામગીરી ચાલુ કરી દેવામાં આવશે.

વડોદરા શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મુશળધાર વરસાદને કારણે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરમાં દાલસન ચાર રસ્તા, રાવપુરા, ન્યાયમંદિર, ગેંડી ગેટ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

તો બીજી તરફ, નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે વરસાદને કારણે આયોજકો અને ખેલૈયાઓ બંને ચિંતામાં જોવા મળી રહ્યા છે. આયોજકો અને ખેલૈયાઓને નવરાત્રિ પર વરસાદ પાણી ના ફેરવી દે તેવો ભય સતાવી રહ્યો છે.