વડોદરાની વિકાસની ગતિ થંભી ગઈ, મેયરના વોર્ડમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
વડોદરા: છેલ્લા રાઉન્ડમાં પણ મેઘરાજા ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે ત્યારે વડોદરાવાસીઓ તો વારંવાર પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવા મજબૂર બન્યા છે. એકબાજુ વિશ્વામિત્રીના પાણી શહેર ઘમરોળે છે તો બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાની અનઆવડતના કારણે શહેરીજનો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. આવામાં વડોદરા શહેરના મેયર પિંકી સોનીના વોર્ડમાં જ ઠેર ઠેર વરસાદી પાણી દ્રશ્યો સર્જાયા છે. શહેરના પ્રથમ નાગરીકના જ વોર્ડમાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિક લોકો અકળાયા છે અને તંત્ર સામે રોષે ભરાયા છે.
તાજેતરમાં જ ભારે વરસાદના કારણે વડોદરાની જળબંબાકાર સ્થિતિ સર્જાઈ હતી તેને એક માસ પણ પૂર્ણ થયું નથી ત્યારે વરસાદના કારણે સ્થિતિ યથાવત જોવા મળતા વડોદરા શહેરના લોકો રોષે ભરાયા છે. એક માસમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ તેમજ બ્લેમ ગેમ સિવાય બીજું કશું જ કર્યું નથી. વડોદરાની વિકાસથી ગતિ ગોકુળગતીએ નહીં પણ જેસે થે તેની સ્થિતિમાં જોવા મળતા લોકોમાં છુપો રોષ યથાવત જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે સર્જનની તારાજીના કારણે અનેક નેતાઓને જાકારો મળ્યો હતો. તેમ છતાં પણ તેનાથી બોધપાઠ લીધો નથી તેવી લોક મૂખે ચર્ચાએ વેગ પકડ્યો છે.
એક મહિના અગાઉ જ વડોદરા શહેરના લોકો વરસાદી આફતમાંથી પસાર થયા હતા અને નેતાઓ સામે લાલ આંખ કરી હતી. ત્યાં જ કેટલાક કિસ્સામાં તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને પણ હડધુત કરાયાની ઘટનાઓ સામે આવી હતી. પરંતુ ફરીથી તે જ પરિસ્થિતિ સામે આવતા હવે શહેરીજનો બરાબરના ખિજાય છે.
ગઈકાલે પડેલા વરસાદ બાદ ડોદરા શહેરના મેયર પિંકી સોનીના વોર્ડમાં ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ આ ઘોરનિદ્રામાં રહેલા તંત્ર સામે લાલ આંખ કરી રહ્યા છે. લોકમૂખે એવી પણ ચર્ચા છે કે, વડોદરા મહાનગરપાલિકાના વાંકે શહેરીજનો તકલિફમાં મૂકાયા છે.