અમરાઇવાડીમાં પોલીસ પર હુમલો કરનાર ગુનાહિત માનસિકતા ધરાવતા 2 શખ્સોની ધરપકડ
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના અમરાઈવાડીમાં ફરી એક વખત પોલીસ પર હુમલો થયો છે અને હુમલો કરનાર અન્ય કોઈ આરોપી નહીં પરંતુ અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂકેલો રીઢો આરોપી છે. આરોપીએ પોલીસને જોતા જ પર હુમલો કરી દીધો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
અમરાઈવાડી પોલીસ દ્વારા આરોપી નીરજ સરોજ અને પવન પાસીની પોલીસ પર હુમલો કરવાના ગુનામાં કરવામાં આવી છે. બંને આરોપીઓએ 4 સપ્ટેમ્બરની સાંજે અમરાઈવાડીના ઓમ નગર ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં પોલીસ પેટ્રોલિંગ પર રહેલા પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. પોલીસ કર્મી પ્રકાશભાઈ નીનામા ઓમ નગરના મેદાનથી પસાર થતા હતા. તે સમયે મિત્ર સાથે ફોન પર વાત દરમિયાન બંને આરોપીઓએ પોલીસ કર્મી સાથે બોલચાલ કરી હુમલો કર્યો હતો. હુમલાખોર પવન પાસી જાણતો હતો કે, જે પોલીસ કર્મચારી પર તે હુમલો કરી રહ્યો છે. તે અમરાઈવાડી પોલીસ મથકના સર્વિલન્સ સ્કોડમાં ફરજ બજાવે છે. તેમ છતાં તેણે હુમલો કર્યો હતો.
પોલીસ પર હુમલાના ગુનામાં ઝડપાયેલા આરોપી પવનની તપાસ કરતા અગાઉ વર્ષ 2013માં રામોલમાં હત્યાને અંજામ આપ્યો હતો. આ ઉપરાંત બે મહિના અગાઉ પણ અમરાઇવાડીમાં એક PSI પર હુમલો કર્યો હતો. પોલીસની તપાસમાં અને લોકોની પૂછપરછમાં સામે આવ્યું કે, પવન પોલીસ પર હુમલો કરવાની ટેવ ધરાવે છે. સાથે જ, તે નશો કરવાની ટેવ પણ ધરાવે છે. તો બીજી તરફ, તેની સાથે ઝડપાયેલો આરોપી નીરજ સરોજ અગાઉ હથિયારના ગુનામાં પણ ઝડપાયેલ છે. જેથી ગુનાહીત માનસિકતા ધરાવતા બંને આરોપીઓએ જ્યારે હુમલો કર્યો ત્યારે નશામાં હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: “બાળકો બોસ બને કે કંપની ખોલે, તેવું…” મોરબી દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીને હાઇકોર્ટની ટકોર
મહત્વનું છે કે, બે જ મહિનામાં એક જ આરોપી દ્વારા એક જ જગ્યાએ પીએસઆઇ અને પોલીસકર્મી પર હુમલો કરતા પોલીસની કામગીરી અને આરોપીઓમાં પોલીસનો ડર ઓછો છે. તે વાત ફલિત થઈ રહી છે. ત્યારે, જો પોલીસ કર્મચારીઓ જ આવા આ સામાજિક તત્વોથી સલામત નથી, તો તેમના વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા કેટલી અને કેવી છે. તે અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.