સુરેન્દ્રનગરમાં તરછોડાયેલા મનોદિવ્યાંગ અને વૃદ્ધોની સેવા કરતા મહિલા
વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જીલ્લાના મુળી રોડ પર એક મહિલા સંચાલિત શેલ્ટર હોમમાં નિરાધારો સહિત વૃદ્ધો અને તરછોડાયેલા લોકોને કોઈપણ જાતના ભેદભાવ વગર નિઃશુલ્ક આશ્રય આપી સેવાનુ ઉતમ ઉદાહરણ પુરુ પાડવામાં આવી રહ્યુ છે. અહી એક પરિવારની જેમ જ હાલ અંદાજે 25 જેટલા નિરાધારો આશ્રય લઈ રહ્યા છે.
શેલ્ટર હોમમાં અંદાજે 50થી વધુ નિરાધાર લોકો આશ્રય લઈ ચૂક્યા છે
મૂળ અમરેલીના મહિલા નીતાબેન જાનીએ અંદાજે એક વર્ષ અગાઉ નિરાધાર તેમજ તરછોડાયેલા લોકોને આશ્રય અને મદદ કરવાના હેતુથી શિવાલય શેલ્ટર હોમની શરૂઆત મુળી રોડ પર એક સરકારી ખરાબાની જમીનમાં કરેલી. અત્યાર સુધીમાં આ શેલ્ટર હોમમાં અંદાજે 50થી વધુ નિરાધાર લોકો આશ્રય લઈ ચૂક્યા છે. જે પૈકી અંદાજે 12 જેટલા લોકો સારા થઈ જતાં હાલ પરિવાર સાથે રહેવા પણ લાગ્યા છે. આ શેલ્ટર હોમના મહિલા સંચાલિકા નીતાબેન જાનીને નિરાધાર લોકોની સેવા કરવાનો વિચાર આવ્યો હતો અને છેલ્લા એક વર્ષથી પોતાનો પરિવાર મૂકી તેમણે જશાપર ગામ પાસે શિવાલય શેલ્ટર હોમ શરૂ કર્યું છે. માનસિક દિવ્યાંગ, અશક્ત વૃદ્ધો, એકલવાયા રહેતા વડિલો તેમજ પરિવાર દ્વારા તરછોડાયેલ લોકોને નીતાબેન અને તેમની સાથે સેવા આપતા બે થી ત્રણ સેવાભાવી લોકો દ્વારા શેલ્ટર હોમમાં નિઃશુલ્ક રહેવા, જમવા, કપડા સહિત દવા અને સારવાર કરવામાં આવે છે.
શેલ્ટર હોમનો માસિક ખર્ચ અંદાજે 90 હજારથી 1 લાખ
નિરાધાર, અશકત, દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા અને તરછોડાયેલ હોય તેવા 18 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના યુવક-યુવતી, મહિલા, વૃદ્ધો સહિત હાલ શેલ્ટર હોમમાં 25 જેટલા લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે. માત્ર આશ્રય જ નહિ પરંતુ એક માતા-પિતા અને પરિવારની જેમ જ હૂંફ અને લાગણીઓ પણ નીતાબેન અને તેમની ટીમ કોઈપણ જાતના ભેદભાવ વગર આપે છે. શેલ્ટર હોમનો માસિક ખર્ચ અંદાજે 90 હજારથી 1 લાખ જેટલો થાય છે, જે ખર્ચ હાલ સેવાભાવી લોકો અને દાતાઓ દ્વારા આપવામાં આવતા અનુદાનમાંથી ઉપાડવામાં આવે છે. પરંતુ ક્યારેક કોઈ આશ્રિતને અમદાવાદ કે રાજકોટ ખાતે હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા પડે ત્યારે વધુ મુશ્કેલી પડે છે અને સ્વખર્ચે પણ સેવા કરવી પડે છે. આમ એક મહિલા દ્વારા શેલ્ટર હોમમાં નીરાધારો, દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્વસ્થ અને તરછોડાયેલ લોકોને નિઃશુલ્ક આશ્રય આપી સમાજને નવી રાહ ચીંધી છે.