રખડતા કૂતરાને કારણે પત્નીનું મોત, પતિ સામે ફરિયાદ
અમદાવાદઃ ગુજરાતના લગભગ દરેક શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક છે. રાજ્યમાં આ સૌથી મોટી સમસ્યા છે કે ગુજરાત હાઇકોર્ટે પણ તેની નોંધ લીધી છે. તેમણે પણ સ્વીકાર્યું છે કે, રખડતા કૂતરાઓને કારણે નાગરિકોનું સવારે ચાલવા જવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે વધુ એકવાર રખડતા કૂતરાને કારણે મહિલાનું મોત નીપજ્યું છે.
આ ઘટના નર્મદા જિલ્લાની છે, જ્યાં એક કૂતરું અચાનક કાર સામે આવી ગયું હતું અને કારનું બેલેન્સ બગડતા બેરિકેડ સાથે અથડાઈ હતી. જેને કારણે કારમાં બેઠેલી મહિલાનું મોત નીપજ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ત્યારે કાર ડ્રાઇવ કરી રહેલો મહિલાનો પતિ પોતાને પત્નીની મોતનો જવાબદાર ગણે છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ વ્યક્તિનું નામ પરેશ દોશી છે અને તેની ઉંમર 55 વર્ષ છે, જેણે પોતાની સામે જ ફરિયાદ નોંધાવી છે.
કેવી રીતે બની ઘટના?
મળતી માહિતી પ્રમાણે, દોશી અને તેની પત્ની અમિતા અંબાજીથી પરત આવી રહ્યા હતા. ત્યારે ખેરોજ-ખેડબ્રહ્મા હાઇવે પર દાન મહુડી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. તેમણે એફઆઈઆરમાં જણાવ્યું છે કે, આ સમગ્ર દુર્ઘટના કાર ડ્રાઇવ કરતી વખતે તેમની બેદરકારીને કારણે થઈ છે. કારણ કે, તેઓ કૂતરાને બચાવવા માટે બેરિકેડ સાથે અથડાયા હતા. દોશીએ પોલીસને જણાવ્યુ હતુ કે, ‘હું અને મારી પત્ની રવિવારે જલદી ઘરેથી નીકળીને નજીકમાં આવેલા અંબાજી મંદિર પહોંચ્યા હતા. જો કે, મંદિર બંધ હતું. અમે બપોરે 1.30 વાગ્યા સુધી રાહ જોઈ, પછી પગે લાગીને જતા રહ્યા હતા.’
તેમણે જણાવ્યુ હતુ કે, ‘હું સૂકાઆંબા ગામથી કાર લઈને જઈ રહ્યા હતો. ત્યારે અચાનક એક રખડતો કૂતરો સામે આવી ચડ્યો હતો. તેને બચાવવા જતા મેં કારને સાઇડમાં લીધી અને કાબૂ બહાર જતી રહી. ત્યારે રસ્તાની બાજુમાં લાગેલા બેરિકેડ સાથે કાર અથડાઈ હતી. ગાડી ઓટો લોક હોવાને કારણે બંને ગાડીમાં ફસાઈ ગયા હતા અને બેરિકેડનો એક ભાગ કારનો કાચ તોડી અંદર આવી ગયો હતો. તેમાં અમિતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી.’
કાચ તોડીને જીવ બચાવ્યો
આ ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. કેટલાકે કારનો કાચ તોડીને કારને અનલોક કરી અને બંનેને બહાર કાઢવામાં મદદ કરી હતી. દોશીએ કહ્યુ કે, ‘અમિતાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ તેમણે પોતાની સામે જ કાર ચલાવતી વખતે બેદરકારી દાખવવાની ફરિયાદ દાખલ કરાવી હતી.