September 20, 2024

Narendra Modi ત્રીજી વખત PM બનશે તો શું કરશે? Pakistanમાં ડરનો માહોલ

પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી સત્તામાં પાછા ફરે છે તો આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

ઈસ્લામાબાદ: ભારતમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણીમાં મતદાનના તમામ તબક્કા 1 જૂને સમાપ્ત થઈ ગયા છે. 1 જૂનના રોજ છેલ્લા તબક્કાના મતદાન બાદ આવેલા વિવિધ એજન્સીઓના એક્ઝિટ પોલમાં ભાજપ ફરી સત્તામાં આવશે તેવી આગાહી કરાઇ છે. એક્ઝિટ પોલ અનુસાર નરેન્દ્ર મોદી સ્પષ્ટ બહુમતી સાથે સતત ત્રીજી વખત સત્તામાં પાછા આવી શકે છે. એક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલા આંકડાઓથી ભાજપના નેતાઓ ખુશ છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓએ એક્ઝિટ પોલને સદંતર નકારી કાઢ્યા છે. ભારત ઉપરાંત પાડોશી દેશોમાં પણ એક્ઝિટ પોલની ચર્ચા થઇ રહી છે. ખાસ કરીને પાકિસ્તાનમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત સત્તામાં આવશે તો પાડોશી દેશો પ્રત્યેની સરકારની નીતિ શું હશે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવનું કહેવું છે કે જો નરેન્દ્ર મોદી સત્તામાં પાછા ફરે છે તો આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

પાકિસ્તાનના પૂર્વ વિદેશ સચિવ ઈજાઝ ચૌધરીએ એક ટીવી ચેનલ પર ભારતમાં ચૂંટણી પરિણામો અને નવી સરકાર પર ચર્ચા દરમિયાન કહ્યું કે પરિણામો હજુ આવ્યા નથી પરંતુ એક્ઝિટ પોલ પરથી એવું લાગે છે કે મોદી સત્તામાં પાછા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે,‘જો આપણે નરેન્દ્ર મોદીની કામ કરવાની રીત પર નજર કરીએ, તો આપણને જોવા મળે છે કે તેઓ એવા વચનો અને દાવાઓ પર પણ આગળ વધે છે, જેને સામાન્ય રીતે લોકવાદી તરીકે બરતરફ કરવામાં આવે છે. આ વખતે જો તેઓ સરકારમાં આવશે તો ખાસ કરીને બે બાબતો થશે, એક ભારત હિન્દુ રાષ્ટ્ર બનવું અને બીજું પાકિસ્તાન સાથે સંઘર્ષ’.

આ પણ વાંચો: Exit Pollsથી શેરબજારમાં ધમાલ, સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઇમ હાઈ

પાકિસ્તાને પોતાની જાતને તૈયાર કરવી જોઈએઃ ચૌધરી
ચૌધરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે,‘નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે તેઓ ચૂંટણી ઢંઢેરા અને દાવાઓને લાગુ કરે છે. સામાન્ય રીતે તેમના શબ્દો જેને ચૂંટણી ભાષણ તરીકે ફગાવી દેવામાં આવે છે, તેઓ તેના પર આગળ વધે છે. આવી સ્થિતિમાં મને લાગે છે કે આ વખતે તેમની સરકારનું એક લક્ષ્ય ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું હશે. બીજું તે પાકિસ્તાન પ્રત્યે આક્રમક નીતિ અપનાવશે, જેનો તે ‘ઘુસકર મરેંગે’ વાક્ય સાથે ઉલ્લેખ કરી રહ્યો છે.

એજાઝ ચૌધરીએ વધુમાં કહ્યું કે,‘2019ની ચૂંટણીમાં તેમણે કલમ 370નો ઉલ્લેખ કર્યો અને બધાને ચોંકાવીને તેને હટાવી દીધી. આ વખતે સ્પષ્ટપણે તેમનું લક્ષ્ય ફાસિસ્ટ વિચારસરણી સાથે ઝડપથી વિકસતું હિન્દુ રાષ્ટ્ર છે. તેનાથી પાકિસ્તાનમાં કોઈને વાંધો નથી, પરંતુ તેનાથી ભારતમાં મુસ્લિમો અને અન્ય લઘુમતીઓ માટે જગ્યા ઘટશે. જે પહેલાથી જ ઘણી ઓછી છે. બીજું તેઓ પાડોશીઓ ખાસ કરીને પાકિસ્તાન માટે આક્રમક બનશે. તેઓ પાકિસ્તાન સાથે તેમના એજન્ડા પર આગળ વધી શકે છે કે તેઓ ઘૂસીને મારી નાખશે. આવી સ્થિતિમાં પાકિસ્તાને તેની સંપૂર્ણ તૈયારી કરવી જોઈએ.