સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પરિવારને આવ્યું 13 લાખ રૂપિયા બિલ, પરિવાર ચિંતિત
વડોદરાઃ સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બે વખત એવી ઘટના બની ગઈ છે કે જેમાં ગ્રાહકોને લાખો રૂપિયાનું વીજ બિલ આવ્યું હોય. ત્યારે વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. જેમાં વડોદરામાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકને લાખો રૂપિયાનું બિલ આવ્યું છે.
વડોદરાના જેતલપુર વિસ્તારમાં રહેતા એક ગ્રાહકને 13.65 લાખ રૂપિયાનું વીજ બિલ આવ્યું હોવાનો મેસેજ આવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવ્યા પહેલાં તેમને 2500 રૂપિયા જ બિલ આવતું હતું. ત્યારે આટલી મોટી રકમનું બિલ આવતા પરિવાર ચિંતામાં મૂકાયો છે. આ મામલે તેમણે મધ્ય ગુજરાત વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો. પરંતુ કંપની તરફથી તેમને કોઈ જ જવાબ ન મળતો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
અગાઉ પણ બની હતી આવી ઘટના
વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં ભાડે મકાન રાખીને રહેતા મૃત્યુંજયને લાખો રૂપિયાનું વીજ બીલ આવ્યું છે. મૃત્યુંજયને રૂપિયા 9,24,254 રૂપિયા વીજ બીલ આવ્યું છે. પહેલાં તેમને પ્રતિ મહિને અંદાજે 1500-2000 રૂપિયા બીલ આવતું હતું. ત્યારે 15 દિવસ પહેલાં જ તેમના ઘરે સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યું છે. ત્યારે વીજ બીલને લઈને મૃત્યુંજયે MGVCLનો સંપર્ક કર્યો છે.
ગઈકાલે સરકારે લીધો મહત્વનો નિર્ણય
ગુજરાત રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરને લઈને પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે આજે એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સ્માર્ટ મીટર સાથે વધુ એક જૂનું મીટર પણ લગાવવાનો નિર્ણય જાહેર કર્યો છે. જો કે, સ્માર્ટ મીટરમાં આવતું વીજ બિલ અને જૂના મીટરમાં આવતું વીજ બંનેની કમ્પેર કરવામાં આવશે અને અરજદારોને સ્માર્ટ મીટર અંતર્ગત જાગૃતિ આવે તેવો પ્રયાસ કરવામાં આવશે.