December 9, 2024

વડોદરાના સાંસદ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા, રંજનબેને કહ્યું – આ ચલાવી લેવાશે નહીં

vadodara mp ranjan bhatt oppose posters said This will not be executed

વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે

વડોદરાઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઈકાલથી વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવી મળી રહ્યો છે. પહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામુ આપ્યું. ત્યારબાદ ભાજપે તેમને મનાવી લીધા અને હવે સાંસદ રંજન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

વડોદરા શહેરમાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રંજન ભટ્ટ છેલ્લી બે ટર્મથી સાંસદ રહ્યા છે અને તેમને આ વખતે ત્રીજી વખત ટિકિટ આપીને રિપિટ કરવામાં આવ્યા છે. ત્યારે તેમનો વિરોધ કરતા ઉમેદવારીને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે.

રંજન ભટ્ટે આ અંગે શું કહ્યું?
આ અંગે રંજનબેન ભટ્ટ કહે છે કે, ‘જેમણે મારા વિરુદ્ધમાં પોસ્ટર લગાવ્યા છે તે એક વ્યક્તિ જ છે. જેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી. તે ભારતીય જનતા પાર્ટીનું નામ બદનામ કરી રહ્યા છે. આટલા દિવસથી નેગેટિવિટીથી કામ કરી રહ્યા હતા. છેલ્લા દસ વર્ષથી વડોદરાની સેવા કરી છે. પાર્ટીના સભ્યો અને કાર્યકરોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે. પાર્ટીએ ત્રીજીવાર મને રિપિટ કરી છે, ત્યારે વડોદરાના લોકો ખુશ છે, કાર્યકર્તાઓ ખુશ છે. મારી સાતેય વિધાનસભાના ધારાસભ્યો દરરોજ સંમેલન દ્વારા સ્વાગત-સન્માન કરે છે. આગામી દિવસોમાં અમે માઇક્રો પ્લાન કરીશું. છેલ્લા કેટલાય દિવસથી આ ચાલતું હતું, હું બોલતી નહોતી. ત્યારે હવે આ ચલાવી લેવાશે નહીં. વડોદરા અને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ છે. પોલીસ પણ તેમની કામગીરી કરશે. કાર્યકર્તા અને અમે સાથે રહીને પ્રચાર કરીશું. વડોદરાની જનતા વચ્ચે જઈ રહ્યા છીએ. જે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે, તે બહુ ખોટું કરી રહ્યા છે.’