September 18, 2024

કાવી-કંબોઈમાં આવેલું અનોખું શિવાલય; 7 નદીઓનો સંગમ, બેવાર મંદિર થાય છે ‘જળમગ્ન’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ ‘શ્રાવણમાં શિવાલયયાત્રા’માં આજે પાંચમો દિવસ છે. આજે આપણી યાત્રા પહોંચી છે વડોદરા જિલ્લામાં. વડોદરા શહેરથી અંદાજે 85 કિલોમીટર દૂર કાવી-કંબોઈ ગામમાં સ્તંભેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે. એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીએ કરી હતી. મધદરિયે આવેલું આ મંદિર દિવસમાં બેવાર સમુદ્રમગ્ન થઈ જાય છે.

સમુદ્રમાં સવાર-સાંજ બેવાર ભરતી આવે છે અને મંદિર જળમગ્ન થઈ જાય છે અને ભરતી જતાં જ ફરીથી દેખાવા લાગે છે. જંબુસરમાં આવેલા આ શિવમંદિરે મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટે છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ મંદિર અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ ઉપર બનેલું છે.

શિવપુરાણમાં પણ મંદિરનો ઉલ્લેખ
મહાશિવપુરાણની રુદ્ર સંહિતામાં સ્તંભેશ્વર મહાદેવનો ઉલ્લેખ મળી આવે છે. આ મંદિરમાં લગભગ 4 ફૂટ ઊંચું અને 2 ફૂલ પહોળું શિવલિંગ સ્થાપિત છે. મંદિરની આસપાસ અરબ સાગરનું દૃશ્ય ખૂબ જ આહ્લાદક છે. અહીં આવનારા ભક્તોએ ભરતીના સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે.

 

શું છે સ્તંભેશ્વર મહાદેવની પૌરાણિક કથા?
એવી માન્યતા છે કે, આ મંદિરની સ્થાપના કાર્તિકેય સ્વામીજીએ કરી હતી. આ અંગે કથા પ્રચલિત છે કે, પ્રાચીન સમયમાં દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યજયા હતાં. આ કારણે શિવજી વિયોગમાં હતાં. તે સમયે તારકાસુરને વરદાન મળ્યું હતું કે, તેની મૃત્યુ શિવજીના પુત્રના હાથે જ થશે.

વરદાન મળ્યાં પછી તારકાસુરનો આતંક વધી ગયો હતો. ત્યારે દેવતાઓ અને ઋષિ-મુનિઓએ શિવજીને પ્રાર્થના કરી હતી કે, તેઓ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લે. દેવી પાર્વતીએ પણ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે કઠોર તપ કર્યું હતું. તપથી પ્રસન્ન થઈને શિવજીએ દેવી પાર્વતી સાથે લગ્ન કરી લીધા અને જ્યારે કાર્તિકેય સ્વામીનો જન્મ થયો. થોડા સમય બાદ જ કાર્તિકેયજીએ તારકાસુરનો વધ કર્યો હતો. પછી જ્યારે કાર્તિકેયને જાણ થઈ કે, તારકાસુર શિવભક્ત હતા ત્યારે તેમને ખૂબ જ પસ્તાવો થયો હતો. ત્યારે ભગવાન વિષ્ણુએ કાર્તિકેય સ્વામીને કહ્યુ હતુ કે, તે સ્થળ જ્યાં તારકાસુરનો વધ કર્યો છે, ત્યાં શિવમંદિરની સ્થાપના કરવી જોઈએ, તેથી તમારા મનને શાંતિ મળી શકે. વિષ્ણુજીની વાત માનીને કાર્તિકેય સ્વામીએ ‘સ્તંભેશ્વર મહાદેવ’ની સ્થાપના કરી હતી.

સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું
આ તીર્થ ‘ગુપ્ત તીર્થ’ તરીકે પણ ઓળખાય છે. કારણ કે સ્થાપના બાદ યુગો સુધી આ તીર્થ ગુપ્ત હતું અને છેલ્લી કેટલીક સદીઓથી જ આ શિવલિંગ ભક્તોને દર્શન આપી રહ્યું છે. આ સ્થળે 7 નદીઓનું સંગમ સ્થાન છે. આ શિવલિંગની વિશેષતા એ છે કે, દિવસમાં બે વખત ખુદ સમુદ્ર દેવતા ભગવાનનો અભિષેક કરવા આવે છે. 24 કલાકમાં બે વખત આ શિવલિંગ તથા મંદિર દરિયામાં સમાઈ જાય છે. દરિયાલાલ જ્યારે ભગવાનને અભિષેક કરવા સુસવાટાભેર આગળ ધપે છે, ત્યારે વાતાવરણ અલૌકિક બની જાય છે અને શ્રદ્ધાળુઓ શિવમય બની જાય છે.

ભગવાનના દર્શન માત્ર 5કે 6 કલાક જ થઈ શકે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આ સ્થાન આસ્થાનું અનેરું કેન્દ્ર બન્યું છે. અહીં રોજેરોજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે અને ભગવાન અને આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યોમાંથી પણ ભગવાનના દર્શને શ્રદ્ધાળુઓ આવે છે.

કેવી રીતે પહોંચવું?
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાતના વડોદરાથી લગભગ 40 કિલોમીટર દૂર જંબુસર તાલુકામાં આવેલું છે. કાવી કંબોઈ ગુજરાતના વડોદરાથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલું છે. કાવી કંબોઈ વડોદરા, ભરૂચ અને ભાવનગર જેવા સ્થળેથી રોડ માર્ગે સારી રીતે જોડાયેલું છે. વડોદરાથી તમે સ્તંભેશ્વર મહાદેવ મંદિર જવા માટે પ્રાઈવેટ ટેક્સી કે પછી અન્ય વાહન કે સાધન લઈ શકો છો. આ ઉપરાંત અહીં પહોંચવા માટે રોડ, રેલવે કે પછી વિમાન દ્વારા પણ સરળતાથી પહોંચી શકાય છે.