December 14, 2024

પૂજા ખેડકર વિવાદ વચ્ચે કાર્યકાળ પૂર્ણ થતાં પહેલા જ UPSC અધ્યક્ષના રાજીનામાંથી ખળભળાટ

UPSC Chairperson Resigns: ટ્રેઈની IAS પૂજા ખેડકરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. લોક સેવા સંઘ આયોગના અધ્યક્ષ ડૉ. મનોજ સોનીએ રાજીનામું આપી દીધું છે. સોનીએ પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. મહત્વનું છે કે, UPSC અધ્યક્ષ ડૉ. મનોજ સોનીનો કાર્યકાળ વર્ષ 2029માં પૂર્ણ થઈ રહ્યો છે. કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલા જ તેમણે રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક શરૂ થઈ ગયા છે.

રાષ્ટ્રપતિએ નથી સ્વીકાર્યું રાજીનામું
જોકે, સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે ડૉ. સોનીના રાજીનામાનો મામલો IAS પૂજા ખેડકર સાથે સંકળાયેલ નથી. કર્મચારી અને તાલીમ વિભાગ (DOPT)ના સૂત્રો મુજન હજુ સુધી ડૉ. સોનીનું રાજીનામું સ્વીકારવા આવ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, ડૉ. મનોજ સોની વર્ષ 2017માં UPSCમાં સભ્ય તરીકે જોડાયા હતા. 16 મી 2023ના રોજ તેમને લોક સેવા સંઘ આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે ઘણા સમય પહેલા જ પોતાનું રાજીનામું સોંપી દીધું હતું. ટ્રેઈની IAS અધિકારી પૂજા ખેડકર વિરુદ્ધ થઈ રહેલા આરોપો બાદ UPSC વિવાદોમાં ઘેરાઈ ગયું છે, જેમણે કથિત રીતે સિવિલ સેવામાં પ્રવેશ મેળવવા માટે ઓળખ પત્રો સાથે છેડછાડ કરી હતી.

READ MORE: IAS પૂજા ખેડકર વિરુદ્ધ FIR નોંધવામાં આવી, નકલી ઓળખનો ઉપયોગ કરવાનો આરોપ

UPSCમાં જોડાતા પહેલા ડૉ. સોનીએ ત્રણ ટર્મ સુધી વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી. તેમાં 01 ઓગસ્ટ 2009 થી 31 જુલાઈ 2015 સુધી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના વાઇસ ચાન્સેલર તરીકે સતત 2 ટર્મ અને એપ્રિલ 2005 થી એપ્રિલ 2008 સુધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાના વાઇસ ચાન્સેલર તરીકે એક ટર્મ સેવા આપી હતી. MSU વડોદરામાં જોડાયા તે સમયે ડૉ. મનોજ સોની ભારતમાં અને MSUમાં સૌથી યુવા વાઇસ ચાન્સેલર હતા.

ડો. સોનીએ ઉચ્ચ શિક્ષણ અને જાહેર વહીવટની ઘણી સંસ્થાઓના બોર્ડ ઓફ ગવર્નર્સમાં સેવા આપી છે. તેઓ ગુજરાત વિધાનસભાના અધિનિયમ દ્વારા રચાયેલી અર્ધ-ન્યાયિક સંસ્થાના સભ્ય પણ હતા, જે ગુજરાતમાં બિન-અનુદાનિત વ્યાવસાયિક સંસ્થાઓની ફી માળખાનું નિયમન કરે છે.