December 10, 2024

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ત્રણ ઋતુઓ અનુભવાઇ રહી છે. સવારમાં ઠંડીની મોસમનો અનુભવ થઇ રહ્યો છે તો બપોર બાદ અસહ્ય ગરમી પડી રહી છે તો માવઠાનું પણ જોખમ રાજ્યના માથે તોળાઇ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરતા જગતના તાત ચિંતામાં મૂકાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજથી 3 માર્ચ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે રાજ્યમાં માવઠા શક્યતાઓ છે. ત્યાં જ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. બીજી તરફ મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદમાં હળવો વરસાદ પડી શકે છે.

વાત કરીએ આવતીકાલ એટલે કે 2જી માર્ચના રોજ નવસારી, વલસાડ, ગીર સોમનાથમાં માવઠું થઈ શકે છે. હવામાન વિભાગે માવઠાને લઈ માછીમારોને પણ એલર્ટ કર્યા છે.

નોંધનિય છે કે, ગઇકાલે રાત્રે ભાવનગરાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. અહીં ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મોરચંદ, છાયા, ગુંદી, કોળિયાક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો રતનપર, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકશાનની ભીંતિ સેવાઇ રહી છે.

ત્રણ દિવસ બાદ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યુ છે કે, આગામી 1થી 3 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડશે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમને કારણે કમોસમી માવઠાની શક્યતાઓ છે. ત્યારે પહેલી માર્ચે રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા
1લી માર્ચે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી માર્ચે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં માવઠું થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે.