રેલવેનો અનોખો પ્રયોગ! આ ટ્રેનમાં ATMમાંથી પૈસા ઉપાડી શકાશે

ATM Facility In Panchvati Express Train: મહારાષ્ટ્રના મનમાડથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જતી પંચવટી એક્સપ્રેસમાં મધ્ય રેલવેએ ટ્રાયલ ધોરણે ATM મશીન લગાવ્યું છે. આ ATM એસી ચેર કાર કોચમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં પહેલા પેન્ટ્રી હતી. મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ અનોખું પગલું લેવામાં આવ્યું છે. મધ્ય રેલવેએ કહ્યું છે કે હાલમાં આ ઓનબોર્ડ એટીએમનો ઉપયોગ ટ્રાયલ તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ જો તે સફળ થશે, તો આ સુવિધા અન્ય ટ્રેનોમાં પણ શરૂ કરી શકાય છે.

રેલ્વેમંત્રીએ વીડિયો શેર કર્યો
પંચવટી એક્સપ્રેસમાં એટીએમનો વીડિયો શેર કરતા કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પહેલીવાર કોઈ ટ્રેનમાં એટીએમ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.

શા માટે આ સેવા શરૂ કરવામાં આવી?
રેલવે NFR એટલે કે નોન-ફેર રેવન્યુ પહેલ હેઠળ ઓનબોર્ડ એટીએમની આ સુવિધા આપવાનું આયોજન કરી રહ્યું છે. જેથી રેલ્વે ટિકિટમાંથી થતી આવક ઉપરાંત, તે મુસાફરોને અન્ય સુવિધાઓ પૂરી પાડીને તેની આવકમાં વધારો કરી શકે.

25 માર્ચના રોજ મધ્ય રેલ્વેએ તમામ સંભવિત વેન્ડરો સાથે એક બેઠક યોજી હતી, જેમાં મધ્ય રેલ્વે દ્વારા ઓનબોર્ડ એટીએમનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જે પછી, 2 એપ્રિલના રોજ, બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા NINFRIS નીતિ હેઠળ આ દિશામાં એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ATM પાસે CCTV કેમેરા
10 એપ્રિલના રોજ મનમાડ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પંચવટી એક્સપ્રેસમાં ટ્રાયલ ધોરણે ઓનબોર્ડ એટીએમ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને પેન્ટ્રીની જગ્યાએ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ATMની સુરક્ષા માટે 2 Fire Extinguisher અને રબર પેડ લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, એટીએમ પાસે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.