કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ‘સાગર પરિક્રમા’નું વિમોચન

પરશોત્તમ રૂપાલા સહિત તમામ સાંસદ અને ધારાસભ્યો પણ બુક લોન્ચિંગમાં હાજર રહ્યા હતા.
રાજકોટઃ કેન્દ્ર સરકારના મત્સ્ય, પશુપાલન અને ડેરી ઉદ્યોગમંત્રી પરશોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં ‘સાગર પરિક્રમા’ પુસ્તક તથા વીડિયો લોન્ચ કર્યો હતો અને દેશના વિવિધ રાજ્યોના દરિયામાં 7986 કિલોમીટરની પોતે કરેલી ‘સાગર પરિક્રમા’ની ફલશ્રુતિ વર્ણવી હતી.
રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ‘કેન્દ્રના મત્સ્ય અને પશુપાલન મંત્રાલયના અધિકારીઓ, કોસ્ટ ગાર્ડ તેમજ અન્યોના સહયોગ અને જહેમતથી આ સાગર પરિક્રમા સંપન્ન થઈ છે. જે દરમિયાન દેશના દરિયાકાંઠા વિસ્તારોમાં રહેતા માછીમારોની મુશ્કેલી જાણવા મળી છે. આ ‘સાગર પરિક્રમા’ એ ફિશરીઝ મંત્રાલયને જમીન પર ઉતારવાનો ઉપક્રમ હતો. 44 દિવસની આ યાત્રામાં તમામ રાજ્ય સરકારો, માછીમાર એસોસિએશન તેમજ સમુદાયનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે.’
આ માટે તેમણે સૌને અભિનંદન પાઠવ્યા હતા તથા તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાના ધર્મપત્ની સવિતાબહેન રૂપાલા, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, સાંસદો, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.