October 5, 2024

‘મુંબઇને નહિ બનવા દઈએ અદાણી સિટી’, ઉદ્ધવ ઠાકરેનો જાણો શું છે ‘ધારાવી પ્લાન’?

Mumbai: શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકાર પર જોરદાર વાકપ્રહાર કર્યા. આ દરમિયાન ‘અદાણી ધારાવી પ્રોજેક્ટ’ને લઈને પણ તેમણે નિશાન સાધ્યું. ઠાકરેએ હુંકાર કરતાં કહ્યું હતું કે અમે મુંબઈને અદાણી સિટી નહિ બનવા દઈએ.

પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘લાડલી બહેના અને બીજી ઘણી બધી યોજનાઓના નામે જનતાને આકર્ષવાનું કામ કરવામાં આવી રહ્યું છે.’ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે આજે હું એક યોજના વિશે જણાવવા આવ્યો છું અને તે યોજના છે ‘લાડકા ઉદ્યોગપતિ યોજના’.

‘અમે ધારાવીને બીજે ક્યાંય નહિ વસાવીએ’
ઠાકરે એ કહ્યું, ધારાવીમાં અમે આંદોલન કર્યું હતું. ત્યાંનાં લોકોને 500 વર્ગ ફૂટના ઘર મળવા જ જોઈએ. દરેક ઘરમાં એક માઇક્રો વેપાર ચાલે છે. તેના માટે શું ઉપાય કરવામાં આવશે. આ લોકો મુંબઈનું નામ અદાણી સિટી પણ કરી શકે છે. તેમના જે પ્રયાસો ચાલી રહ્યા છે તેને અમે સફળ નહિ થવા દઈએ. તેમણે કહ્યું કે ધારાવીના લોકોને લાયક – ગેરલાયકના ચક્રવ્યૂહમાં ફસાવવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. અમારી સરકાર સત્તામાં આવશે તો અમે ધારાવીના લોકોને બીજે ક્યાંય નહીં વસાવીએ. ધારાવીમાં જ રોજગારની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે.

‘મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ’
ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું, ‘ધારાવીનો વિકાસ થવો જોઈએ, અદાણીનો નહીં. જો અદાણી આ બધું પૂરું ન કરી શકે તો ફરીથી ટેન્ડર કરવું જોઈએ. ગ્લોબલ ટેન્ડર બહાર પાડવું જોઈએ અને પારદર્શિતાનું પાલન થવું જોઈએ. અમે મુંબઈને અદાણી સિટી નહીં બનવા દઈએ.

શું છે અદાણી ધારાવી પ્રોજેક્ટ?
ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ અગાઉ મુંબઈના ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીને કાયાકલ્પ કરવાની બિડ જીતી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે આ કામ કરવા માટે નવી કંપની બનાવી હતી. સમાચાર આવ્યા હતા કે અદાણી ગ્રુપે ધારાવીના પુનઃવિકાસ માટે વૈશ્વિક ટીમની પસંદગી કરી છે અને આ માટે પ્રખ્યાત આર્કિટેક્ટ હાફીઝ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપી છે.

619 મિલિયન ડોલરમાં જીતી હતી બિડ
ગૌતમ અદાણીની માલિકીના અદાણી ગ્રુપે ગયા વર્ષે જુલાઈ 2023માં ધારાવી સ્લમ વિસ્તારના પુનઃવિકાસ માટેની બિડ જીતી હતી. મહારાષ્ટ્ર સરકારે અદાણીની 619 મિલિયન ડોલરની બિડ સ્વીકારી હતી. મુંબઈની ધારાવીની ઝૂંપડપટ્ટી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ક કરતા ત્રણ-ચતુર્થાંશ જેટલી છે અને હોલીવુડના દિગ્દર્શક ડેની બોયલની 2008ની ઓસ્કાર વિજેતા ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં દર્શાવવામાં આવી હતી.