October 11, 2024

દાહોદ જિલ્લામાં બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા

દાહોદ - NEWSCAPITAL

દાહોદ: ગુજરાત ACB દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. ગુજરાત ACBએ ગઈકાલે દાહોદ જિલ્લામાં લાંચ લેવાના કેસમાં બે પોલીસકર્મીઓને ઝડપી પાડ્યા હતા. એક જ દિવસમાં જિલ્લામાં બે પોલીસકર્મીઓ લાંચના છટકામાં ઝડપાયા બાદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

એક જ દિવસમાં બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા
ગતરોજ દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં બે અલગ અલગ પોલીસ મથકમાં લાંચ લેવાના મામલામાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ ACB એ કાર્યવાહી કરી હતી. ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ મથકના પેથાપુર આઉટપોસ્ટ પર ફરજ બજાવતા ASI પ્રભુભાઈ સોમાભાઇ સાંગડા રૂ. 15,000 ની લાંચ લેતા ઝડપાયા હતા. ASI પ્રભુભાઈએ ઝગડાની અરજીના નિકાલ માટે રૂ. 15,000 ની લાંચ માંગી હતી. તો બીજા કેસમાં દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI નારણભાઇ રસુલભાઈ રાવત રૂ. 10,000 ની લાંચ લેતા ACBએ ઝડપ્યા હતા. ASI નારણભાઇએ ગ્રામ્ય પોલીસ મથકમાં થયેલી એક અરજીના નિકાલ માટે લાંચની માંગણી કરી હતી. આમ ACBએ એક જ દિવસમાં બે પોલીસકર્મીઓને લાંચના છટકામાં ઝડપી પાડ્યા હતા.

ગુજરાત ACBનો કેર પ્રોગ્રામ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ACB દ્વારા તાજેતરમાં જ એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા ગુજરાત ACB દ્વારા કેર પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. કેર પ્રોગ્રામ મુજબ, હવેથી ગુજરાત ACB ફરિયાદીની સુરક્ષાનું પણ ખાસ ધ્યાન રાખશે. કેર પ્રોગ્રામની શરૂઆત થતાંની સાથે જ ગુજરાત ACB દ્વારા ગત સપ્તાહમાં એક ફરિયાદીની મદદ પણ કરવામાં આવી હતી.