October 4, 2024

દેવભૂમિ દ્વારકામાં બારે મેઘ ખાંગા, રોડ-રસ્તા નદીમાં તબદીલ, જનજીવન અસ્તવ્યસ્ત

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 24 ઇંચ જેટલો ધીંગો વરસાદ ખાબક્યો હતો. જેમાં દ્વારિકામાં શુક્રવાર બપોર સુધીમાં સાડા ત્રણ ઇંચ પાણી વરસ થયા બાદ ચાર વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં જ નવ ઇંચ પાણી ખાબક્યો હતો. રાતના પણ છૂટો છવાયો અઢીથી ત્રણ ઇંચ અંદાજે વરસાદ પડ્યો છે. કલ્યાણપુર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દેવભૂમિમાં વરસાદને કારણે અનેક ડેમો અને જળાશયોમાં નવા નિર્ આવક થઈ છે. આરાધના ધામ નજીક આવેલો સિંહણ ડેમ ઓવરફ્લો થયો છે. મહાદેવીયા સિંચાઇ યોજના ડેમ અને કંડોરણા ડેમ તેમજ ચાચરાણા ગાંગડી હર્ષદ ગાંધવી સહિતના હેઠવાસના ગામો માટેનો અતિ મહત્વનો સિંધણી ડેમ ઓવરફ્લો થયો છે.

કલ્યાણપુરનો સેડા ભારતી ભાણવડના સોનમતી કબારકા તેમજ વર્તુ એક ડેમ 70 થી 80% ભરાઈ ગયા છે. કલ્યાણપુરના મેવાસા અને પિંડારા વચ્ચે આવેલો ડેમ તેમજ કોલવા નો ડેમ આવા નાના-મોટા જળાશયો છલકાતા બધે ખુશીની લહેર જોવા મળી રહી છે ભાટિયાનું કેસરિયા તળાવ છલકાઈ ગયું છે.

કલ્યાણપુર તાલુકાના ભાટિયા જામ રાવલ પંથકમાં છેલ્લા 36 કલાકમાં અંદાજે 16 થી 18 ઇંચ વરસાદ પડી જતા રાવલ ભાટીયા ગોરાણા રાણપરડા કેનેડી, ખાખરડા, ભોગાત, નંદાણા વગેરેમાં રસ્તાઓનું પણ મોટા પાયે ધોવાનું થયું હતું અને ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં નદી હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભાટિયા પાસે એક કાર તણાઈ જતા બે લોકોનું NDRFની ટીમે સ્થાનિક તંત્રની આગેવાની હેઠળ અરેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા હતા.

દ્વારકામાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાઓ બંધ
દ્વારકામાં ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને જાહેર રજા આપી દેવામાં આવી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા સવારમાં શાળાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. બાળકોની સલામતીને ધ્યાને લઇ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

યાત્રાધામ દ્વારકામાં યાત્રિકોની બસ થઈ બંધ
દ્વારકામાં જળબંબાકાર વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી ભરાયા છે. આ દરમિયાન ઈસ્કોન ગેટ પાસે પાણી ભરાતા બસનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. નગરપાલિકાના વાહન દ્વારા બસનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું જે રસ્તામાં જ બંધ પડી ગઈ હતી. યાત્રાધામ દ્વારકામાં વરસાદને લઈ યાત્રિકો અને વાહન ચાલકો પરેશાન થયા છે. ભારે વરસાદને લઈને મુખ્ય માર્ગો ઇસ્કોનગેટ, રબારી ગેટ, ભદ્રકાલી ચોક બંધ કરી દેવામાં આવ્યા છે. નાગેશ્વર મહાદેવ જતા રસ્તા વરસાદને કારણે બંધ કરાયા છે.