November 11, 2024

ધીમીગતિની કામગીરીથી ભાજપના સદસ્યતા અભિયાનના સંયોજકે લખવો પડ્યો પત્ર

જયેશ ચૌહાણ, અમદાવાદ: 2 સપ્ટેમ્બરથી દેશમાં ભાજપની સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ PM મોદીને પ્રથમ પ્રાથમિક પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને ત્યારબાદ 3 સપ્ટેમ્બરના દેશમાં ભાજપના મુખ્યમંત્રીઓએ સદસ્યતા મેળવી હતી. ગુજરાતમાં પણ કેંદ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય પદની સદસ્યતા અપાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. પરંતુ, ત્યારબાદના 3 દિવસ ગુજરાત ભાજપની સદસ્યતા અભિયાનની કામગીરી નબળી જોવા મળી રહીં છે. જેથી, હવે ગુજરાત ભાજપના સદસ્યતા અભિયાનના સંયોજક કે. સી. પટેલ દ્વારા એક ફોર્મ સાથે 2 પેજનો પત્ર લખીને સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યોને સમયસીમા સાથે ટાર્ગેટ સોંપવાનો વારો આવ્યો છે.

“3 દિવસમાં માત્ર 15 લાખ જ સભ્યો બન્યા”
ગુજરાતમાં ભાજપ દ્વારા 3 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પરંતુ અભિયાનની શરૂઆતમાં જ જે પ્રકારનો ઉત્સાહ અને કામગીરી જોવા મળી રહીં છે તે જોતા ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલો ટાર્ગેટ ફળીભૂત થાય તેવુ લાગી રહ્યું નથી કેમકે અભિયાનની શરૂઆતના પ્રથમ દિવસે 7 લાખ જેટલા સભ્યો બન્યા હતા પરંતુ બીજા અને ત્રીજા દિવસે આ કામગીરીમાં 50% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 5 સપ્ટેમ્બરના રાત્રે 8 વાગ્યા સુધીમાં માત્ર કુલ 14 લાખ 95 હજાર 371 સભ્યો જ બન્યા છે જેનો મતલબ છે કે 3 સપ્ટેમ્બરના 7 લાખ સભ્યો બન્યા પરંતુ 4 અને 5 સપ્ટેમ્બર એમ કુલ 2 દિવસમાં 8 લાખ જ પ્રાથમિક સભ્યો નોંધાયા છે.

“દિલ્હીમાં કામગીરીનો ડેટા રજૂ કરવા તેડુ”
સદસ્યતા અભિયાનને લઇ ભાજપનું કેંદ્રીય નેતૃત્વ તો ગંભીર જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાત ભાજપના નેતાઓ અભિયાન પ્રત્યે ગંભીર નથી લાગી રહ્યાં. કેંદ્રીય નેતૃત્વ દ્વારા તમામ રાજ્યોના પ્રદેશ પ્રમુખ, રાજ્યોમાં અભિયાનના સંયોજક અને 2 પ્રદેશ મહામંત્રીઓને 10 સપ્ટેમ્બરના દિલ્હી ખાતે બોલાવવામાં આવ્યા છે જેમાં 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધીમાં સદસ્યતા અભિયાનને લઇ કરેલી કામગીરીનો ડેટા સાથે લાવવામાં કહેવાયુ છે. કેંદ્રીય નેતૃત્વ ડેટાના આધારે ક્યા રાજ્યમાં કેવા પ્રકારની કામગીરી ચાલી રહીં છે તેનું રિવ્યુ કરવાનું છે.

“દિલ્હીથી તેડું બાદ ઇન્ચાર્જે લખ્યો પત્ર”
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દિલ્હીનું 10 સપ્ટેમ્બરના તેડું આવતા અને ગુજરાતમાં ચાલી રહેલી ધીમી કામગીરી બાદ ગુજરાત ભાજપ સદસ્યતા અભિયાનના સંયોજક કે. સી પટેલ દ્વારા એક ફોર્મ સાથે સાંસદો, ધારાસભ્યો, જિલ્લા-તાલુકા પંચાયતો, કોર્પોરેટરો, મોરચાઓને 2 પેજનો પત્ર લખી ટાર્ગેટ સોંપવામાં આવ્યો છે. અભિયાનના ઇન્ચાર્જ દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે ફોર્મ આપવામાં આવ્યુ છે તે ફોર્મમાં સદસ્યતા અભિયાન અંતર્ગત કામગીરીનો ડેટા ભરી 7 સપ્ટેમ્બરના બપોરના 12 વાગ્યા સુધીમાં મોકલી આપવાનું રહેશે. અભિયાનના સંયોજક દ્વારા પત્રના માધ્યમથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોરચાઓના હોદ્દેદારો માટે 200 સભ્યોથી લઇ 7 લાખ સભ્યો સુધીનો ટાર્ગેટ આપવામાં આવ્યા છે

“કોને કેટલા સભ્યો બનાવાનો ટાર્ગેટ”
– સાંસદોને વ્યક્તિગત 10 હજાર અને મતવિસ્તારમાં 7 લાખ
– ધારાસભ્યોને વ્યક્તિગત 5 હજાર અને મતવિસ્તારમાં 1 લાખ
– કાઉન્સિલરોને 2000 સભ્યનો ટાર્ગેટ
– જિલ્લા પંચાયતના સભ્યોને 1 હજારનો ટાર્ગેટ
– તાલુકા પંચાયતના સભ્યોને 500 સભ્યનો ટાર્ગેટ
– નગરપાલિકાના સભ્યોને 500નો ટાર્ગેટ
– પ્રદેશ પદાધિકારીઓને 1000 સભ્યનો ટાર્ગેટ
– પ્રદેશ મોરચાના પ્રમુખ-મહામંત્રીને 1000નો ટાર્ગેટ
– પ્રદેશ સેલ સંયોજકને 1000નો ટાર્ગેટ
– શહેરી મંડલ પદાધિકારીને 500 સભ્યનો ટાર્ગેટ
– પૂર્વ સાંસદોને વ્યક્તિગત 2 હજાર સભ્યોનો ટાર્ગેટ
– પૂર્વ ધારાસભ્યોને વ્યક્તિગત 1 હજાર સભ્યોનો ટાર્ગેટ
– 2022 વિધાનસભા હારેલા ઉનેદવારોને 2500 સભ્યોનો ટાર્ગેટ
– પ્રદેશ અને જિલ્લા કક્ષાના સહકારી આગેવાનોને 3000નો ટાર્ગેટ

ગુજરાત ભાજપ સદસ્યતા અભિયાનના સંયોજક કે. સી. પટેલ દ્વારા સાંસદો અને ધારાસભ્યોને લોકસભા અને વિધાનસભા મતવિસ્તારના લક્ષ્યાંક સાથે સાથે વ્યક્તિગત લક્ષ્યાંક પણ આપવામાં આવ્યો છે અને સંયોજક દ્વારા કુલ 22 શ્રેણીના કાર્યકર્તાઓને આ તમામ ડેટા 9 સપ્ટેમ્બર શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં મોકલી આપવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને જનપ્રતિનિધિઓને વ્યક્તિગત સદસ્યતા લક્ષ્યાંક અંગે જાણ કરવાની જવાબદારી જિલ્લા-મહાનગર પ્રમુખ-મહામંત્રીઓને સોંપવામાં આવી છે.

“સંયોજકના પત્ર બાદ મોરચાઓએ છોડ્યા મેસેજો”
ગુજરાત ભાજપ સદસ્યતા અભિયાનના સંયોજક કે. સી પટેલના પત્ર બાદ ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ દ્વારા પણ કાર્યકર્તાઓ માટે સદસ્યતા માટેના ટાર્ગેટનો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવ્યો છે. યુવા મોરચાની પ્રદેશ ટીમ, જિલ્લા-મહાનગર પ્રભારીને 500 સભ્યોનો ટાર્ગેટ, પ્રદેશ કારોબારી સભ્યોને 200નો ટાર્ગેટ, યુવા મોરચાના જિલ્લા પ્રમુખ અને મહામંત્રીને 500 અને મંડળની ટીમ અને મંડળના કારોબારી સભ્યોને 200નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.

“અભિયાનમાં ગુજરાતને પ્રથમ નંબરે રાખવાનું આહવાન”
3 સપ્ટેમ્બરના ગુજરાતમાં સદસ્યતા અભિયાનના પ્રારંભ સમયે સાંસદો, ધારાસભ્યો અને પ્રદેશ પદાધિકારીઓને સંબોધન કરતા સી. આર પાટીલે કહ્યું હતુ કે યુપી રાજ્ય આપણા ગુજરાત કરતા 3 ગણું મોટુ છે પરંતુ આપણે એવો પ્રયાસ કરવાનો છે કે આપણે સદસ્યતા અભિયાનમાં યુપી કરતા પણ આગળ નીકળી જઇએ અને આ વખતે ગુજરાતમાંથી આપણે 2 કરોડ ભાજપના સભ્ય બનાવવાના છે.