વિધાનસભા મુલાકાતને લઇ વિક્રમ ઠાકોર બાદ BJP કાર્યકર્તાઓ પણ નારાજ!

જયેશ ચૌહાણ, અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલા જ ગુજરાતના 4થી 5 કલાકારોએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લેતા ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર અને સિંગર સાગર પટેલ સહિતના કલાકારોએ પોતાની અવગણના થઇ હોવાની વાત મીડિયા અને સોશિયલ મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જેના પગલે 26 અને 27 માર્ચના ગુજરાતના તમામ કલાકારોને વિધાનસભાની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે વિધાનસભાની મુલાકાતનો વિવાદ કલાકારોથી આગળ વધી ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચી ગયો છે અને વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકર્તાઓ પણ પોતાના ધારાસભ્ય અને નેતાઓ પર જ વ્હાલા દવલાની નીતિ અપનાવવાનો આરોપ મુકી રહ્યાં છે.

‘વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકર્તાઓએ ઠાલવ્યો બળાપો’
આજરોજ અમદાવાદની ઠક્કરબાપા વિધાનસભાના બીજેપી કાર્યકર્તાઓના એક ગ્રૂપમાં 2 વોર્ડના કાર્યકર્તાઓની ગુજરાત વિધાનસભાની મુલાકાતના ફોટો મુકવામાં આવતા જ વોટ્સએપ ગ્રૂપમાં દાવાનળ જેવી સ્થિતિ પેદા થઇ હતી. અમદાવાદ શહેર લોકસભા 108 નામના વોટ્સએપ ગ્રૂપમાં એક મેસેજ અપલોડ કરવામાં આવ્યો કે ઠક્કરબાપા નગર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કંચનબેન રાદડિયાની સૂચનાથી ઇન્ડિયા કોલોની વોર્ડ અને સૈજપુર વોર્ડના તમામ કાર્યકર્તા વિધાનસભા જોવા ગયા હતા. આ ફોટો ગ્રૂપમાં મુકતાની સાથે જ ગ્રૂપમાં રહેલા અન્ય સભ્યોમાં રહેલો રોષ પણ જોવા મળ્યો હતો અને ગ્રૂપના સભ્યોએ પોતાનો બળાપો ગ્રૂપમાં કાઢી પોતાની અવગણના થતી હોવાનો અને વ્હાલા દવલાની નીતિ અપનાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા હતા.

‘બહેનોને ખાલી બસ ભરવા માટે જ રાખી છે’
વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકર્તાઓની મુલાકાતના ફોટો મુકતાની સાથે જ ગ્રૂપમાં ઉકળતા ચરૂ જેવો માહોલ જોવા મળ્યો હતો. એક ગ્રૂપ મેમ્બરે ફોટાઓનો રિપ્લે આપતા લખ્યુ કે, બેનોને ખાલી બસ ભરવા માટે જ રાખ્યા છે, પ્રમુખ સાહેબ આવુ ન ચાલે. તો અન્ય એક મહિલાએ લખ્યું કે, બધા જોજો ગ્રૂપમાં એટલે બધાને ખબર પડે કેવી રીતે કામ કરવું. વોર્ડમાં બહેનોને મુરખ સમજે છે.

‘માત્ર ભીડ ભેગી કરવાની હોય ત્યારે જ સૂચના આપો છો’
ગ્રૂપના અન્ય એક સભ્ય દ્વારા તો ઠક્કરબાપા નગર વિધાનસભાના પ્રતિનિધિઓ પર જ વ્હાલા દવલાની નીતિનો આરોપ મુકી દેવાયો હતો. વોટ્સએપ ગ્રૂપના સભ્ય દ્વારા લખવામાં આવ્યું કે, ‘કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સૂચના આપે અને આવી રીતે વિધાનસભા જોવા જવાનું હોય તો સૂચના ના આપે, જય હો વહાલા દવલા કરવાવાળા લોક પ્રતિનિધિનો.’