October 16, 2024

નેશનલ હાઇવે 56 પર ખાડારાજ, વાહનચાલકોની સમસ્યામાં વધારો

તાપીઃ જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે 56 પર મસમોટા ખાડા પડી જવાને કારણે વાહનચાલકોની સમસ્યામાં વધારો થયો છે. આ હાઇવે વાપીથી શામળાજીને જોડે છે. ત્યારે ખાડાં પડી જવાને કારણે વાહનચાલકોની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે.

ચોમાસુ પૂરું થયું નથીને ખાડાઓનું સામ્રાજ્ય ઠેર ઠેર જોવા મળતું હોય છે. જેનો સીધો સામનો સામાન્ય પ્રજા બનતી હોય છે. તંત્રની ખાયકીની નીતિને લઈને આવી સમસ્યાઓ બનવી હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. પરંતુ આવી સમસ્યા મુખ્ય માર્ગ પર બનતી હોય છે. ત્યાંથી દરરોજ હજારો વાહનોની અવરજવર પ્રતિદિન થતી હોય છે. ત્યારે બુમો ઉઠવી સ્વાભાવિક બની છે. આવું જ કંઈક તાપી જિલ્લાના વ્યારામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 56 પર બની રહ્યું છે. જ્યાં દર વર્ષે ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે, પરંતુ તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી.

તેને કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા છે. તાપી જિલ્લાના સ્થાનિક વાહનચાલકો એટલા તો પરેશાન થઈ ગયા છે કે, કેટલાક વાહનચાલકોએ રસ્તાના ખાડામાં ઝાડ પણ રોપી આક્રોશ વ્યક્ત કર્યો છે. પરંતુ વાહન ચાલકોની વારંવારની રજૂઆત છે કે આ પ્રકારના દેખાવો તંત્રના કે રાજકારણીઓના બહેરા કાને સાંભળતા જ નથી.

તાપી જિલ્લાના વ્યારા તાલુકામાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 56 વાપીથી શામળાજીને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં દર વર્ષે ઠેર ઠેર ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે નેશનલ હાઇવે ઓફિસના સુરત સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર ધર્માં ભટ્ટને ટેલિફોનિક પૂછતાં તેમણે દર બે ત્રણ દિવસે પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, તેવું જણાવી વરસાદ બંધ થઈ ઉઘાડ થતા વ્યવસ્થિત કામગીરી કરવાની વાત કરી હતી.

તેમણે વધુમાં એમ પણ ઉમેર્યું કે એનએચએઆઈને હેન્ડ ઓવર કરવાની કામગીરી હાલ ચાલી રહી હોવાથી હાલ આ નેશનલ હાઇવે પર પેચવર્કની જ કામગીરી થશે. એટલે એમ કહી શકાય કે નેશનલ હાઇવે 56ને હજુ સંપૂર્ણ દુરસ્ત થતા સમય લાગશે. એટલે લોકોએ તો આમને આમ જ કમરતોડ નેશનલ હાઇવે 56 પરથી આગામી દિવસોમાં પણ પસાર થવું પડશે.