March 18, 2025

સાયલામાં ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઇર્ષ્યા રાખી હત્યા; ત્રણની ધરપકડ, બે ફરાર

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સાયલામાં ધામધૂમપૂર્વક ભત્રીજીના લગ્ન કરવાની ઈર્ષ્યા રાખીને કાકા હિંમતભાઈની પાડોશમાં રહેતા પાંચ શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવી છે. ત્યારે આ મામલે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદના આધારે ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, લૂંટ અને મારામારી સહિતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જોવા મળી રહી છે. જેમાં સાયલા ગામમાં વાસુકીનગરમાં બે પાડોશીઓ વચ્ચે ભત્રીજીના ધામધૂમપૂર્વક લગ્ન કર્યા હતા. આ વાતની ઈર્ષ્યા રાખીને હત્યા નિપજાવવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, મૃર્તક હિંમતભાઈ પંડ્યાની ભત્રીજીના થોડા દિવસ પહેલાં જ લગ્ન થયા હતા. ત્યારે આ લગ્ન ધામધૂમપૂર્વક કર્યા હોવાથી તેની પાડોશીએ ઈચ્છા રાખી સ્ટેટસમાં ફોટા અપલોડ કરીને ખરાબ મેસેજ કર્યા હતા. આ ઉપરાંત ઈર્ષ્યાવાળા સ્ટેટસ મૂકતા હોવાથી મૃતકના પરિવારજનો આરોપીના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારબાદ બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો. ત્યારે પાંચ શખ્સોએ ભત્રીજીના કાકા હિંમતભાઈને છરી, તલવાર, લાકડી જેવા હથિયાર વડે ગંભીર ઈજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી.

મૃતકના ભાઈ પ્રકાશભાઈએ પાડોશમાં રહેતા નરેશ દાનજીભાઈ અઘારા, ગિરધર દાનજીભાઈ અઘારા, મુકેશ પ્રેમજીભાઈ અઘારા, રાજન નરેશભાઈ અઘારા ઉમંગ નરેશભાઈ અઘારા હોમગાર્ડ કમાન્ડર સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એક હોમગાર્ડ કમાન્ડર અને એક હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મી હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે. આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.