September 18, 2024

સુરેન્દ્રનગરના અનેક રસ્તાઓનું વરસાદથી ધોવાણ, તંત્રના આંખ આડા કાન

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ શહેરમાં સામાન્ય વરસાદમાં જ અનેક જગ્યાએ રસ્તાઓનું ધોવાણ થઈ જતાં તેમજ ઠેર ઠેર મસમોટા ગાબડાંઓ પડતાં વાહનચાલકો તોબા પોકારી ગયાં છે. મુખ્ય રસ્તાઓ પર ખાડાઓનાં કારણે અકસ્માતના બનાવો પણ બની રહ્યાં છે. ત્યારે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી શહેરીજનોમાં માગ ઉઠવા પામી છે.

સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસાની સિઝનનો 20થી 25 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે. શહેરમાં હજી સુધી ધોધમાર વરસાદ ન થયો હોવા છતાં સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયાં છે. જેમાં શહેરના દુધરેજ રોડ, ટાવર રોડ, 80 ફૂટ રોડ, બ્રહ્માકુમારી સર્કલ રોડ, રતનપર જોરાવરનગર સહિતના અનેક વિસ્તારમાં રસ્તાઓ પર સામાન્ય વરસાદમાં જ મસમોટા ખાડાઓ જોવા મળી રહ્યાં છે. તેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

શહેરમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓનું ધોવાણ થઈ જતા અને ખાડાઓ પડી જતાં રસ્તાના કામની ગુણવત્તાને લઇને પણ અનેક સવાલો ઉભા થયાં છે. અમુક રસ્તાઓ પર બેથી અઢી ફુટના મસમોટા ખાડાઓને લઇને અવારનવાર અકસ્માત સર્જાવાના બનાવો બની રહ્યાં છે અને રસ્તાઓ પર એટલા બધા ખાડાઓ જોવા મળી રહ્યાં છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો તે કહેવું પણ મુશ્કેલ છે.

પાલિકાના ચીફ ઓફિસર સાથે ન્યુઝ કેપિટલે વાત કરતા જણાવ્યું હતું કે, પાલિકા તંત્ર દ્વારા રસ્તાઓના સમારકામ કરવાના બદલે માત્ર માટી નાંખી સંતોષ માનવામાં આવે છે. તેના કારણે થોડા દિવસો બાદ પરિસ્થિતિ જૈ સે થે જેવી જ જોવા મળી રહી છે. સરકાર દ્વારા રસ્તાઓનાં સમારકામ અને નવીનીકરણ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કરવામાં ન આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે પણ રોષ જોવા મળી રહ્યો છે.