October 7, 2024

કરોડોના ખર્ચે બનાવેલ બ્રિજના ટેસ્ટિંગની તંત્રને બુદ્ધિ જ ના પહોંચી, 5 વર્ષે આવ્યું ‘બ્રહ્મજ્ઞાન’

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર ગણાતા સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ગેટસ્ટેશનની ફાટકે તંત્ર દ્વારા ટ્રાફિકની સમસ્યા નિવારવા વર્ષ 2019માં રૂપિયા 43 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, આ બ્રિજ પર વારંવાર ગાબડા પડતાં તંત્રને હવે 5 વર્ષે આ બ્રિજની ટેસ્ટિંગ કરવાની બુદ્ધિ સુઝતા તંત્ર દ્વારા છેક હવે 5 વર્ષ બાદ ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ ગેટ સ્ટેશને ફાટક વારંવાર બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જેનું, નિરાકરણ લાવવા આ રેલ્વે ફાટક પર રૂપિયા 43 કરોડના ખર્ચે શહેરનો પ્રથમ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. પરંતુ, બ્રિજ બનાવ્યાના થોડા સમય બાદ જ બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાં બ્રિજમાં ગાબડા પડવાની શરૂઆત થઇ જતાં બ્રિજની કામગીરીની ગુણવત્તાને લઇને અનેક સવાલો ઉભા થયાં હતાં. છેલ્લા એક વર્ષમાં જ અંદાજે પાંચ વાર બ્રિજ પર ગાબડા પડતા પાલિકા તંત્ર દ્વારા બ્રિજ પર થીંગડા મારી નબળી કામગીરીને છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મોરબી સહીત રાજ્યમાં અનેક જગ્યાએ પુલ દુર્ઘટનાના બનાવો બનતા અંતે તંત્રને રહી રહીને જાણે જ્ઞાન આવ્યું હોય તેમ હવે બ્રિજ બન્યાના 5 વર્ષ બાદ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે બ્રિજના ટેસ્ટિંગની કામગીરીમાં પણ માત્ર બ્રિજના બે છેડે ચાર ભારે વાહનો મુકવામાં આવ્યા છે જેના આધારે ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ ટેસ્ટિંગની કામગીરી પણ માત્ર દેખાવ પુરતી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. હાલ ટેસ્ટિંગની કામગીરીને લઇને તંત્ર દ્વારા આ બ્રિજ પર ચાર દિવસ ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવામાં આવી છે. પરંતુ, માત્ર આવા દેખાવ પુરતા ટેસ્ટિંગના બદલે આધુનિક સાધનો અને ટેકનોલોજીની મદદથી યોગ્ય ટેસ્ટિંગ કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે.