September 18, 2024

પિસ્તોલ બતાવીને રોકડ સહિત દાગીનાની લૂંટ, બે આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ઝાંપા બજાર વિસ્તારમાં આવેલી મની લેન્ડર્સ નામની દુકાનમાં ગેસ લાઈટરની પિસ્તોલ અને ઘાતક હથિયારની નોક પર વેપારી પાસેથી રોકડા રૂપિયા અને ચાંદીના ઘરેણાંની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બે આરોપીઓની મહિધરપુરા પોલીસે પકડી પાડ્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાંનો એક આરોપી સુરતની સરદાર માર્કેટમાં શાકભાજીનો હોલસેલમાં વેપાર કરે છે. આર્થિક નાણાંની જરૂરિયાત પૂરી કરવા બંને આરોપીઓએ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં 27મી જુલાઈના રોજ ભોગ બનનારા વેપારીની દુકાને મોઢે રૂમાલ બાંધી ગયેલા બંને આરોપીઓએ વેપારીને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો. ત્યારબાદ ગેસલાઈટરવાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર વડે ધમકાવી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. આ બનાવના પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ રોજેરોજ વધતો જઈ રહ્યો છે. હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી. જાણે આરોપીઓને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી, તેમ એકબાદ એક અલગ અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસે હવે ભારે કમર કસી છે. આવી જ એક ઘટનાનો ભેદ ઉકેલી કાઢવામાં શહેરની મહીધરપુરા પોલીસને સફળતા મળી છે.

સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં ઝાંપા બજાર વિસ્તાર આવેલું છે. અહીં કીર્તિ બાબુલાલ શાહ નામના વેપારી નાનચંદ શાહ નામથી મની બ્લેન્ડર્સની દુકાન ધરાવે છે. કીર્તિ બાબુલાલ શાહ ગ્રાહકો પાસેથી સોના-ચાંદીના ઘરેણાં લઈ નાણા ધિરાણ પર આપવાનો વ્યવસાય કરે છે. આ દરમિયાન 27મી જુલાઈના રોજ તેઓ પોતાની દુકાને હાજર હતા, તે વેળાએ બે જેટલા ઈસમો તેમની દુકાને આવી ચઢ્યા હતા. મોઢે રૂમાલ બાંધી આવેલા બંને ઈસમો સોનાની ચેઇન ગીરવે મૂકી નાણાં વ્યાજે લેવા આવ્યા હતા.

વેપારીએ સોનાની ચેઇન જોઈ ચકાસણી કરતા ખોટી નીકળી હતી. ખોટી સોનાની ચેન વેપારીએ પરત કરી દીધી હતી. ત્યારબાદ બેમાંથીના એક ઇસમ દ્વારા પેટના ભાગે રહેલું ઘાતક હથિયાર કાઢી વેપારીના લમણે મૂકી દીધું હતું. જ્યારે અન્ય એક ઇસમે તેની પાસે રહેલા પિસ્તોલ જેવું સાધન બતાવી દુકાનના ડ્રોઅરમાં રહેલા રોકડા રૂપિયા 66,250 અને રૂપિયા બે હજારની કિંમતના ચાંદીના સાંકડાની લૂંટ કરી વેપારીને ધક્કો માર્યા બાદ ફરાર થઇ ગયા હતા.

સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ દોડતી થયેલી મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓનું પગેરું મેળવવા અલગ અલગ ટીમો બનાવી ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા હતા. આ દરમિયાન મહિધરપુરા પોલીસને મળેલી માહિતીના આધારે ડીંડોલી ભેસ્તાન આવાસમાં રહેતા બસીરખાન ઇકબાલખાન પઠાણ અને સગરામપુરા તલાવડી વિસ્તારમાં રહેતા સમીર શબ્બીર સૈયદને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, હાલ ઝડપાયેલા આરોપી બસીર ખાન પઠાણ અગાઉ સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં જ કામ કરતો હતો. આ વિસ્તારમાં દુકાન આવેલી હોવાથી અને તે દુકાનમાં વૃદ્ધ વયનો વેપારી વધુ રૂપિયા લઈ બેસતો હોવાની જાણ આરોપીને હતી. પોતાને નાણાંની આર્થિક જરૂરિયાત હોવાથી મિત્ર સમીર શબ્બીર જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જ્યાં 27મી જુલાઇના રોજ મિત્ર સાથે મોઢે રૂમાલ બાંધી જઈ ખોટી સોનાની ચેઇન ગીરવે મૂકવાના બહાને લૂંટ કરવા પહોંચ્યા હતા. જ્યાં ઘાતક હથિયાર અને ગેસ લાઇટરવાળી પિસ્તોલ વડે વેપારીને ધમકાવીને માર માર્યો હતો. એટલું જ નહીં, પરંતુ વેપારીના મોઢે રૂમાલ બાંધી ઉભો થતો નહીં, નહીંતર છરો ઘાલી દેવા તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની કબૂલાત કરી હતી.

મહિધરપુરા પોલીસે બંને આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી ગેસ લાઈટરવાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર સહિત રોકડા રૂપિયા અને ચાંદીના સાંકળા મળી કુલ 68 હજારથી વધુની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસ પૂછપરછ જાણવા મળ્યું છે કે, બેમાંથી એક આરોપી બસીરખાન પઠાણ સુરતમાં નકશીકામ કામ કરે છે. જ્યારે આરોપી સમીર શબ્બીર સૈયદ સુરતના સરદાર માર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજીનો વેપાર કરે છે. બસીર પઠાણને નાણાંની આર્થિક જરૂરિયાત હોવાથી મિત્ર સમીર સબીર સૈયદ જોડે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કરવા પહેલા આરોપીએ મિત્ર જોડે ઘટનાસ્થળની રેકી પણ કરી હતી.

પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, બે પૈકીનો એક આરોપી બસીરખાન ઈકબાલખાન પઠાણ વર્ષ 2018માં વલસાડ પોલીસના હાથે વિદેશી દારૂની હેરાફેરી કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે આરોપી સમીર સમીર સૈયદનો ગુનાહિત ઇતિહાસ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહ્યો છે. આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તેની ઊંડાણપૂર્વકની તપાસ પોલીસ કરી રહી છે. જો કે, હાલ તો મહિધરપુરા પોલીસ ચોપડે નોંધાયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને હાલ સફળતા મળી છે.