October 14, 2024

VNSGUમાં ગણેશ સ્થાપનાને લઈને વિવાદ, વિદ્યાર્થીઓનાં બે જૂથ આમનેસામને

અમિત રુપાપરા, સુરતઃ શહેરના વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિઘ્નહર્તાની સ્થાપનાને લઈને જ મોટું વિઘ્ન આવ્યું છે. વિદ્યાર્થીઓના બે જૂથ આમનેસામને આવી જતા યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ બોલાવવાની ફરજ પડી છે. જે પ્રકારે ઘર્ષણ થયું હતું તેને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થી નશો કરતા હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. આ બાબતે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા પોલીસ પાસે મદદ માગી છે અને યુનિવર્સિટી કેમ્પસ અને કેમ્પસની બહાર વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવા માટે પોલીસને પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ આ વિવાદ બાદ યુનિવર્સિટી બહાર પોલીસ તેમજ યુનિવર્સિટી સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા એમ્ફી થિએટરની જગ્યા ફાળવવામાં આવી હતી. પરંતુ આ જગ્યા પર ગણેશજીની સ્થાપના ન કરવા માટે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. આ બંને જૂથના ઘર્ષણને લઈને યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

આ પણ વાંચોઃ રાજ્યમાં 28 શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, અમદાવાદના આ શિક્ષક છવાઈ ગયા

ગણેશજીને વિઘ્નહર્તા દેવ કહેવામાં આવે છે. ત્યારે આ વિઘ્નહર્તા દેવની સ્થાપનામાં જ વિઘ્ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટીમાં 4 સપ્ટેમ્બરના રોજ ગણેશ ઉત્સવ ઉજવવા બાબતનો વિવાદ વકર્યો હતો. યુનિવર્સિટી દ્વારા એમ્ફી થિએટરની જગ્યા પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવાનું જણાવવામાં આવ્યું હતું. આ જગ્યા પર ગણેશ ઉત્સવ ન ઉજવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના શાંતિમય વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો. ગણેશ ઉત્સવને લઈને વિદ્યાર્થીના બે જૂથ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હવે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા વેસુ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને એક અરજી કરીને યુનિવર્સિટી કેમ્પસ તેમજ યુનિવર્સિટીની બહાર વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરવાની રજૂઆત કરી છે.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા વેસુ પોલીસને આ બાબતે પત્ર લખવામાં આવ્યો છે. તો બીજી તરફ જે ઘર્ષણ થયું હતું તેમાં યુનિવર્સિટી દ્વારા શિસ્તભંગ બદલ LLBના એક વિદ્યાર્થીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટના 2 વિદ્યાર્થીને પણ સસ્પેન્ડ કર્યા છે. એટલે કે આ ઘર્ષણ બાબતે ત્રણ વિદ્યાર્થી સામે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ દેશના ખેડૂતોને દિવાળી પહેલા મળશે ભેટ, ચૂકવશે કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો

વિદ્યાર્થીઓ જે પ્રકારે હિંસક થયા હતા તેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, વિદ્યાર્થી નક્કી કોઈ નશાકારક પદાર્થનું સેવન કરતા હોઈ શકે છે અને તેના જ કારણે વિદ્યાર્થીઓમાં આ પ્રકારે હિંસા પ્રવર્તી હતી. ત્યારે આ સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં કોઈ દૂષણ છે કે નહીં તે તપાસવા માટે ડ્રગ્સનો ટેસ્ટ કરાવવાની રજૂઆત યુનિવર્સિટી તંત્ર દ્વારા પોલીસને કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપના બાબતે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તે ઘર્ષણ ફરીથી ન થાય એટલા માટે પોલીસનો બંદોબસ્ત યુનિવર્સિટી બહાર ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત યુનિવર્સિટીની સિક્યુરિટી દ્વારા પણ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે. યુનિવર્સિટીના ગેટ પર જ વિદ્યાર્થી જે બાઈકો તેમજ કાર લઈને આવે છે તે તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓ દુપટ્ટા વડે ફેસ કવર કરીને યુનિવર્સિટીમાં પ્રવેશે છે તે તમામના ફેસ ખુલ્લા કરાવીને તેમને યુનિવર્સિટીમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે. જે પ્રકારે યુનિવર્સિટી કેમ્પસની બહાર પોલીસ તેમજ યુનિવર્સિટીની ખાનગી સિક્યોરિટી ગોઠવાઈ છે તે પરથી એવું કહી શકાય કે વિદ્યાર્થીઓના જૂથ વચ્ચે જે ઘર્ષણ થયું હતું તે મામલો ચરમસીમાએ પહોંચ્યો છે.