December 11, 2024

બાંગ્લાદેશની અરાજકતા સુરતને ફાયદો કરાવશે? જાણો શું કહે છે ટેક્સટાઇલના વેપારીઓ

અમિત રુપાપરા, સુરતઃ બાંગ્લાદેશમાં હાલ હિંસા ભડકી ઊઠી છે. તેને લઈને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના ટેક્સટાઇલના વેપારી બાંગ્લાદેશ સાથે વાર્ષિક 1200થી 1500 કરોડ રૂપિયાનો વેપાર કરે છે. ત્યારે હાલ જે પરિસ્થિતિ થઈ છે તેમાં વેપારીઓનું 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં વેપારીઓ નુકસાન વેઠી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં અન્ય દેશો જે બાંગ્લાદેશ સાથે વ્યાપાર કરી રહ્યા છે તેઓ ભારત તરફ એક ડગલું આગળ વધારે તેવી શક્યતાઓ પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે અને જો આવું થાય તો તેનો સીધો ફાયદો ભારત અને ગુજરાત અને ખાસ કરીને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે.

બાંગ્લાદેશમાં જે પ્રકારે હિંસા ભડકી છે તેને લઈને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એક મોટો ફટકો પડ્યો છે. વર્તમાન સમયમાં વેપારીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે, પરંતુ ભવિષ્યમાં આ પરિસ્થિતિનો ફાયદો પણ સુરત અને દેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મળી શકે છે. એક અંદાજ અનુસાર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો અને વેપારીઓ બાંગ્લાદેશ સાથે વાર્ષિક 1200થી 1500 કરોડ રૂપિયાનો વેપાર કરે છે. હાલ જે અરાજકતાનો માહોલ બાંગ્લાદેશમાં જોવા મળી રહ્યો છે. તેને લઈને 500 કરોડ રૂપિયાનું નુકસાન વેપારીઓને વેઠવી પડ્યું છે. આગામી દિવસોમાં દુર્ગા પૂજાની સિઝન ખૂબ સારી જાય તેવી અપેક્ષા વેપારીઓને હતી પરંતુ આ માહોલ જે બાંગ્લાદેશમાં બન્યો છે તેને લઈને વેપારીની આ આશા પર પાણી ફરી વળ્યું છે.

સુરતના ટેક્સટાઇલ વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ છે તેના કારણે તેના સ્થાનિક વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વર્તમાન સમયમાં પેમેન્ટના ઇશ્યૂ પણ આવી શકે છે. કારણ કે કેટલાક વેપારીઓની દુકાનમાં તોડફોડ થઈ હોવાના પણ મેસેજ તેમને મળી રહ્યા છે. બાંગ્લાદેશના વેપારીઓ પાસેથી પેમેન્ટ લેવાનું નીકળે છે તે મુશ્કેલીથી મળે તે પ્રકારની આશંકા પણ સુરતના વેપારી સેવી રહ્યા છે. બીજી તરફ સુરતથી જે માલ બાંગ્લાદેશ સપ્લાય થવાનો હતો તે માલ હાલ કોલકત્તામાં જ રોકી દેવામાં આવ્યો છે. જે માલની સપ્લાય રોકી દેવામાં આવી છે, તેના પેમેન્ટની વેપારીઓને કોઈ ચિંતા નથી. પરંતુ જે માલ પાઇપલાઇનમાં છે એટલે કે જે માલ બાંગ્લાદેશના વેપારીઓની દુકાનમાં ગોડાઉનમાં કે પછી અન્ય જગ્યાના સ્ટોરેજમાં પડેલો છે. તેના પેમેન્ટ બાબતે સુરતના વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે અને આ પેમેન્ટ મુશ્કેલીથી મળશે તેવું પણ વેપારી કહી રહ્યા છે.

વેપારીઓએ એવો પણ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે, વર્તમાન સમયમાં જે મુશ્કેલી પડી રહી છે તે ભવિષ્યમાં સારો વેપાર પણ આપી શકે છે. કારણ કે દેશમાં કોઈ પણ જગ્યા પર કપડું સુરતથી જ સપ્લાય થાય છે અને આગામી દિવસોમાં બાંગ્લાદેશમાં પરિસ્થિતિના કારણે અન્ય દેશો બાંગ્લાદેશ સાથે વેપાર કરે છે, તે સીધો વેપાર ભારત સાથે કરશે અને ભારત સાથે જો આ વેપાર થશે તો તેનો સીધો ફાયદો ગુજરાત અને સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને થશે.

મહત્વની વાત કહી શકાય કે. બાંગ્લાદેશ સરકારની નીતિઓના કારણે બાંગ્લાદેશના રેડીમેડ ગારમેન્ટ નો વ્યાપાર ચીન બાદ ખૂબ જ વધારે ગણાય છે જે ભારતની નીતિઓના કારણે આગળ વધી શક્યો નથી વેપારીઓએ એવી પણ આશા વ્યક્ત કરી છે કે જો ભારત સરકાર લેબર નીતિઓમાં સુધારા કરે તો ભારતનો રેડીમેટ ગારમેન્ટ નો વેપાર પણ ખૂબ જ આગળ વધી શકે તેમ છે અને અન્ય દેશો જે હાલ બાંગ્લાદેશ સાથે વેપાર કરી રહ્યા છે તે ભારત તરફ આગળ વધી શકે તેમ છે.