December 6, 2024

સુરતના શિવપૂજા કોમ્પલેક્સમાં આવેલું સ્પા-જિમ ગુમાસ્તા લાયસન્સ વગર ચાલતું હતું!

સુરતઃ શહેરના શિવપૂજા કોમ્પલેક્ષમાં આવેલા સ્પા અને જિમમાં લાગેલી આગ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ગુમાસ્તા લાયસન્સ વગર સ્પા સંચાલક દિલશાન બેધડક સ્પા ચલાવી રહ્યો હતો. જીમ સંચાલક વસીમ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે.

વર્ષ 2023માં ઉધનામાં વસીમના જીમમાં યુવતીને જીમ ટ્રેનર સોહિલ હેરાન કરતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી હતી. શિવપૂજા કોમ્પ્લેક્ષમાં અગ્નિકાંડ બાદ માનવવધની ફરિયાદ નોંધવામાં આવી છે. જીમ સંચાલક વસીમ, શાહનવાજ અને સ્પા સંચાલક દિલશાન સામે માનવવધની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓને બેવાર ફાયર વિભાગની એનઓસી ન હોવાથી નોટિસ મળી હતી.

નોટિસ મળ્યા બાદ પણ તેની અવગણના કરીને ફાયર એનઓસી ન લીધી. સ્પા સંચાલક દિલશાન સુરત અઠવા ઝોનમાંથી સ્પા ચલાવવા માટે ગુમાસ્તાનું લાયસન્સ પણ લીધું ન હતું. દિલશાને પહેલા લાઇસન્સ આગમાં બળી ગયું હોવાનું જણાવ્યું હતું. તેને કબૂલાત કરી કે, સ્પા ચલાવવા માટે લાઇસન્સ જ નથી. આરોપી શાહનવાઝે પેટા ભાડાકરાર બનાવીને સ્પા ચલાવવા માટે જિમનો એક ભાગ દિલશાનને આપ્યો હતો. જીમની અંદરથી જ સ્પા સલૂનમાં જવા માટેનો રસ્તો બનાવવામાં આવ્યો હતો.