સુરતના સાયણમાં ધોળા દિવસે 14 વર્ષીય સગીરની હત્યા, આરોપી ફરાર

કિરણસિંહ ગોહિલ, સુરતઃ ઓલપાડના સાયણમાં ધોળા દિવસે સગીરની નજીવી બાબતે હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. જો કે, હત્યારા યુવકને પકડવા સાયણ અને ઓલપાડ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
ઓલપાડના સાયણ વિસ્તારના કાશી ફળીયામાં સવારે 14 વર્ષીય સગીર યુવાન લોહી ગળતી હાલતમાં ભાગી રહ્યો હતો. સ્થાનિકોએ સગીરને પૂછતા જ વિસ્તારમાં રહેતા અને મૂળ વાલિયા તાલુકાના ડેસર ગામનો વિજય વસાવાનું નામ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં જ આ વિસ્તારમાં રહેવા આવ્યો હતો.
આ વિજય વસાવા નામના યુવકે સગીર પર હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. સગીર યુવક બૂમબરાડા પાડી ફળીયામાં ભાગતા લોકો ભેગા થઈ ગયા હતા. આ ઘટના બાદ સગીરને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાની જાણ થતા જ ઓલપાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતક સગીરને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આ ઉપરાંત સમગ્ર મામલે ફરિયાદ નોંધી ફરાર યુવકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.