March 15, 2025

સુરતના સચિનમાં સિલિન્ડર બ્લાસ્ટ, એક મહિલાનું મોત

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં અલગ અલગ જગ્યા પર ચાલતા ગેસ રિફિલિંગના ગોરખ ધંધા પર પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવે છે. અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી આ પ્રકારના અનેક કારનામાઓ સામે આવ્યા છે. ત્યારે ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કારણે થયેલા બ્લાસ્ટમાં 50 વર્ષીય આધેડનું કરુણ મોત થયું છે. આધેડનું મસ્તક આ બ્લાસ્ટમાં ધડથી અલગ થયું છે.

સચિન વિસ્તારમાં આવેલા ગભેણી ખાતે મૂળ બિહારના ચિત્રકૂટના શિવરામપુરના વતની ભૂરી યાદવ નામના પચાસ વર્ષીય આધેડ તેમની દીકરી હંસુ યાદવ સાથે રહેતા હતા. ભૂરી યાદવ ઘરકામ કરતા હતા અને તેમના દીકરી હંસુ યાદવ સચિનમાં એક કંપનીમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

દીકરીને જમવાનું આપીને માતા ભૂરી ઘર નજીક આવેલી દુકાને ચા લેવા માટે ગયા હતા, પરંતુ રસ્તામાં આવતી ચાની કીટલી પર દુકાનની અંદર જ મોટા ગેસની બોટલમાંથી નાની બોટલમાં ગેસ રિફિલિંગ કરવાનું કામ ચાલતું હતું. આ ઘટનામાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો ગંભીર હતો કે જેમાં ભુરી યાદવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મસ્તક ધડથી અલગ થઈ ગયું હતું અને જાણે કોઈ બૉમ્બ બ્લાસ્ટ થયો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.

તો બીજી તરફ આ કરૂણ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનાની જાણ અંશુ યાદવને થતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ સચિન જીઆઇડીસી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વૃદ્ધા ભુરી યાદવના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઈને હાલ સચિન જીઆઇડીસી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટનામાં અંશુ યાદવની માગણી છે કે માતાનું મોત થયું છે અને આ મોત પાછળ જવાબદાર અને બેદરકાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય.