September 10, 2024

વ્યાજખોરો સામે સુરત પોલીસની કડક કાર્યવાહી, વ્યાજખોર લાલી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના ચક્રવ્યુમાં ફસાયેલા લોકોને મુક્ત કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે સુરતની ઉધના પોલીસે વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબી સામે વધુ એક ગુનો દાખલ કર્યો છે. ઉધના પોલીસ સ્ટેશનમાં લાલી ઉર્ફે ધર્મેન્દ્ર પંજાબી સામે ત્રીજો ગુનો દાખલ થયો છે.

સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં અગાઉ ધર્મેન્દ્ર ઉર્ફે લાલી સામે બે ગુના દાખલ થયા છે. ત્યારે વધુ એક ગુનો પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. જેમાં ધર્મેન્દ્ર ઉર્ફે લાલી પંજાબી દ્વારા નાણાધિરદારનું લાઇસન્સ મેળવીને નિયમોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે વધારે વ્યાજ ગરીબો પાસેથી વસૂલવામાં આવતું હતું. ત્યારે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને માસિક 12% ના વ્યાજે 2 લાખ રૂપિયા લીધા હતા અને ધર્મેન્દ્ર લાલીએ 80,000 રૂપિયા વ્યાજ કાપીને 1,20,000 રૂપિયા આપ્યા હતા અને રોજના 2000 રૂપિયા લેખે 85 હપ્તા લેવાની વાત કરવી હતી અને અત્યાર સુધીમાં 85 હપ્તા ભરી 1,70,000 રૂપિયા ભર્યા છે.

આ ઉપરાંત બાકી રહેલા 30000 રૂપિયા પણ 15000 રૂપિયાના બે હપ્તાથી ફરિયાદીએ લાલીને ચૂકવી આપ્યા છે. છતાં પણ લાલી દ્વારા ફરિયાદી પાસેથી લેવામાં આવેલા બેંકોના કોરા ચેક આપવામાં આવતા ન હતા અને ફરિયાદીએ પોતાના એક્સિસ બેન્કના ચેક માગતા લાલીએ મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદી પાસેથી બળજબરી પૂર્વક 4,50,000 કઢાવી લીધા હતા અને એક્સિસ બેન્કના ચેક પર 2,50,000 રૂપિયાની અમાઉન્ટ લખે ફરિયાદી સામે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી.

ફરિયાદીએ એવું પણ જણાવ્યું હતું કે, ધર્મેન્દ્ર ઉર્ફે લાલી અને તેના માણસો ફોન કરીને પરેશાન કરતા હતા. આ ઉપરાંત મોહન તેમજ સુફાન ફરિયાદીના ઘરે હપ્તો લેવા જતા હતા અને હપ્તો ભરવામાં મોડું થાય તો ફરિયાદી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ફોન કરીને અપશબ્દ કહી હાથ પગ તોડી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે આઇપીસી ની કલમ 386, 506(2), 294 (ખ), 114 તેમજ ગુજરાત નાણા ધિરધાર એક્ટરની કલમ 40, 42 (ડી) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉધના પોલીસ દ્વારા ઘટનાને ધર્મેન્દ્ર ઉર્ફે લાલી હંજરા, રવિ અને મોહન મરાઠે સામે ગુનો દાખલ કર્યો છે. આ ઈસમો ગરીબ લોકોને ટાર્ગેટ કરી તેમને ઊંચા વ્યાજે નાણા આપતા હતા અને ત્યારબાદ નાણાંની સામે દસ ગણા નાણા પરત લેતા હતા અને ભોગ બનનાર વ્યક્તિ જ્યાં સુધી પૈસા ન ચૂકવે ત્યાં સુધી સિક્યોરિટી પેટે લીધેલા કોરા ચેકને બાઉન્સ કરાવી કેસ કરવાની ધમકી આપી ધરાવતા હતા.